Gujaratpost Fact Check News: સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો અને તસવીરો વાયરલ થાય છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર આવા ઘણા વાયરલ વીડિયો છે, જેનો સત્ય સાથે કોઈ સંબંધ નથી. તેવી જ રીતે ચીને ભારતીય નાગરિકો માટે વિઝા મુક્ત નીતિ જાહેર કરવાનો દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ચીને ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી પોલિસી જાહેર કરી છે. જો કે જ્યારે ગુજરાતપોસ્ટે આ દાવાની તપાસ કરી તો તે ખોટો હોવાનું બહાર આવ્યું છે.
શું થઈ રહ્યું છે વાયરલ ?
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે ચીને ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી પોલિસીની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર @dreamer2_163 નામના યુઝરે પીએમ મોદી અને શી જિનપિંગની તસવીર શેર કરી અને લખ્યું, ચીને ભારતને વિઝા ફ્રી બનાવી દીધું છે. અન્ય એક યુઝરે @godil_satt14979એ પણ આ જ તસવીર શેર કરી અને લખ્યું કે ચીને ભારતને વિઝા ફ્રી બનાવ્યું છે.
અમે સત્ય કેવી રીતે શોધી કાઢ્યું ?
આ દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હોવાથી અમે તરત જ તેની તપાસ કરવાનું નક્કી કર્યું. અમે પહેલા ગુગલ ઓપન સર્ચનો ઉપયોગ કરીને ભારતીયો માટે ચીનમાં વિઝા-મુક્ત પ્રવેશ અંગેના સમાચારો શોધ્યા, પરંતુ કોઈ વિશ્વસનીય અહેવાલ મળ્યો નહીં. અમને સમાચાર એજન્સી ANI તરફથી એક સમાચાર મળ્યાં છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ચીની એમ્બેસીએ પ્રવાસીઓ માટે ઘટાડેલી વિઝા ફી 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવાની જાહેરાત કરી છે.
રિપોર્ટ અનુસાર હવે સિંગલ એન્ટ્રીની ફી 2,900 રૂપિયા છે જ્યારે ડબલ એન્ટ્રી માટે 4400 રૂપિયા છે. છ મહિનાની મલ્ટિપલ એન્ટ્રીની ફી રૂ. 5900 છે અને 12 મહિના કે તેથી વધુની મલ્ટિપલ એન્ટ્રી માટે રૂ. 8800 છે. ગ્રુપ વિઝા અને ઓફિશિયલ ગ્રુપ વિઝા માટે દરેક અરજદારે 1800 રૂપિયા ચૂકવવા પડશે
હકીકત તપાસમાં શું બહાર આવ્યું ?
ગુજરાત પોસ્ટ દ્વારા તથ્ય તપાસમાં પુષ્ટિ થઈ છે કે ચીન દ્વારા ભારતને વિઝા મુક્ત બનાવવાનો વાયરલ દાવો નકલી છે. તેના બદલે ચીને ડિસેમ્બર 2025 સુધી ભારત માટે વિઝા ફીમાં ઘટાડો કર્યો છે. લોકોને આવા સમાચારોથી સાવચેત રહેવાની અને સોશિયલ મીડિયા પર ફરતા આવા ભ્રામક દાવાઓ પર વિશ્વાસ ન કરવાની સલાહ આપવામાં આવે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++