વોંશિગ્ટનઃ એપ્સટીન ફાઇલ્સના વધુ દસ્તાવેજોનો ઘટસ્ફોટ થયો છે. આ વખતે, એલોન મસ્ક, બિલ ક્લિન્ટન અને પ્રિન્સ એન્ડ્રુના નામ સામે આવ્યાં છે. આ બધા લોકો હંમેશા કહેતા હતા કે તેઓ એપ્સટીનને ભાગ્યે જ ઓળખતા હતા અને તેમને નફરત કરતા હતા, પરંતુ તાજેતરના દસ્તાવેજો એક અલગ જ વાર્તા જાહેર કરે છે.
જાહેર કરાયેલા દસ્તાવેજો અનુસાર, એલોન મસ્ક અને એપ્સટીન વચ્ચે મુસાફરી અથવા સામાજિક કાર્યક્રમો અંગે ઇમેઇલ દ્વારા વાતચીત થઈ હતી. મસ્કે અગાઉ કહ્યું હતું કે તેમણે ક્યારેય એપ્સટીનના ખાનગી ટાપુની મુલાકાત લીધી નથી.પરંતુ ઈમેલનો એક ભાગ જણાવે છે કે મસ્ક એપ્સટીનના ખાનગી ટાપુ વિશે ઉત્સુક હતા અને તેમણે પૂછ્યું હતું કે ટાપુ પર સૌથી વાઇલ્ડ પાર્ટી ક્યારે થશે.
દસ્તાવેજો સામે આવ્યાં પછી, મસ્કે તેનો સંપૂર્ણપણે ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે કેટલાક ઇમેલ્સને ખોટા સમજવામાં આવી રહ્યાં છે અને ટીકાકારો તેનો ઉપયોગ તેમને બદનામ કરવા માટે કરી રહ્યાં છે. બરાક ઓબામાના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસના વકીલ અને હવે ગોલ્ડમેન સૅક્સના જનરલ કાઉન્સેલ કેથી રમલરનું નામ પણ દસ્તાવેજમાં દેખાયું છે.
કેથીએ એપ્સટીન સાથે મુલાકાતોનું આયોજન કર્યું અને ઈમેલમાં છોકરીઓ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. હવે તેમને સ્પષ્ટતા કરી છે કે છોકરીઓ શબ્દ ખરેખર એક ક્લાયન્ટ અને તેમની પુત્રીઓનો ઉલ્લેખ કરતો હતો. દસ્તાવેજોમાં એક નામ યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકનું છે.
લુટનિકે 2012 માં ક્રિસમસ પહેલા એપ્સટીનને ઇમેઇલ કર્યો હતો કે તેઓ તેમની પત્ની અને બાળકો માટે એપ્સટીનના ખાનગી ટાપુની સફર ગોઠવે. જ્યારે તેમણે અગાઉ કહ્યું હતું કે એપ્સટીન એક ઘૃણાસ્પદ વ્યક્તિ છે અને તે તેની આસપાસ રહેવા માંગતા નથી, ત્યારે વર્જિન ગ્રુપના સહ-સ્થાપક અને બ્રિટિશ અબજોપતિ રિચાર્ડ બ્રેન્સનના ઇમેલ પણ સામે આવ્યાં છે.
નવા દસ્તાવેજોમાં ન્યૂ યોર્ક જાયન્ટ્સના સહ-માલિક સ્ટીવન ટિશ 400 થી વધુ વખત દેખાય છે. ઘણા ઈમેલમાં એપ્સટાઈને ટિશને વિવિધ મહિલાઓ સાથે પરિચય કરાવવાની ઓફર કરી હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જેમાં એક યુક્રેનિયન મહિલાનો પણ સમાવેશ થાય છે.સૌથી વધુ ચર્ચિત નામ પ્રિન્સ એન્ડ્રુ છે. એક મહિલાએ અગાઉ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે તેણે તેની સાથે સેક્સ માણ્યું હતું.
હવે, નવા દસ્તાવેજો દર્શાવે છે કે એન્ડ્રુએ એપ્સટીનને બકિંગહામ પેલેસમાં રાત્રિભોજન માટે આમંત્રણ મોકલ્યું હતું, એપ્સટીનને એન્ડ્રુને એક રશિયન મહિલા સાથે પરિચય કરાવવાની ઓફર કરી હતી. દસ્તાવેજોમાં ડોનાલ્ડ ટ્રમ્પનો પણ ઘણી વખત ઉલ્લેખ છે. બિલ ક્લિન્ટન પણ તેનાથી અજાણ નથી.