PACL Scam: પીએસીએલ લિમિટેડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે, ઇડીએ દિલ્હી અને પંજાબમાં સ્થિત રૂ. 5,046.91 કરોડની કિંમતની 126 મિલકતો જપ્ત કરી છે. આ કેસ એક મોટી છેતરપિંડી સાથે સંબંધિત છે, જેમાં કંપનીએ દેશભરના લાખો રોકાણકારો પાસેથી જમીનનું વચન આપીને આશરે રૂ. 48,000 કરોડ પડાવી લીધા હતા. જોકે, મોટાભાગના રોકાણકારોને ન તો જમીન મળી કે ન તો તેમના પૈસા પાછા મળ્યાં.
સીબીઆઈએ 2014 માં આ કૌભાંડની તપાસ શરૂ કરી હતી
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને (સીબીઆઈ) 2014 માં આ કૌભાંડની તપાસ શરૂ કરી હતી, ત્યાર બાદ ED એ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે કંપનીએ અનેક શેલ કંપનીઓ અને ખોટા વ્યવહારો દ્વારા નાણાં ફેરવ્યાં હતા.
અત્યાર સુધીમાં રૂ. 22,000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી
સુપ્રીમ કોર્ટે 2016 માં રોકાણકારોના પૈસા પરત કરવા માટે એક સમિતિની રચના પણ કરી હતી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જણાવ્યાં અનુસાર, આ કેસમાં અત્યાર સુધીમાં રૂ. 22,656 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. હાલમાં તપાસ ચાલુ છે.
PACL કૌભાંડ શું છે ?
પર્લ્સ એગ્રોટેક કોર્પોરેશન લિમિટેડ (પીએસીએલ) કૌભાંડ એ ભારતના સૌથી મોટા નાણાકીય કૌભાંડો અને પોન્ઝી યોજના છે. તે એક સામૂહિક રોકાણ યોજના હતી. પીએસીએલએ કૃષિ અને રિયલ એસ્ટેટ વિકાસના નામે રોકાણકારોને તેમના પૈસા અથવા જમીન બમણી કરવાના વચનો આપીને રૂપિયા પડાવી લીધા હતા.
આ રીતે પોન્ઝી સ્કીમ ઘડવામાં આવી હતી
પીએસીએલ કંપની એક પોન્ઝી સ્કીમ હતી, જેમાં નવા રોકાણકારો પાસેથી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ હાલના રોકાણકારોને પૈસા ચૂકવવા અને એજન્ટોને ભારે કમિશન ચૂકવવા માટે કરવામાં આવતો હતો. આ કૌભાંડ પાછળનો માણસ પર્લ ગ્રુપના સ્થાપક નિર્મલ સિંહ ભંગુ હતા, જેનું ઓગસ્ટ 2024 માં અવસાન થયું હતું.