ટ્રમ્પ પીછેહઠ કરનારા નેતા નથી, અમેરિકી સંરક્ષણ મંત્રીની ઈરાનને મોટી ધમકી

09:26 AM Apr 01, 2026 | gujaratpost

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે ઈરાનને ફરી એકવાર ગંભીર ચેતવણી આપી છે. હેગસેથે જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ ન તો કોઈ દેખાડો કરે છે અને ન તો ક્યારેય પાછા હટે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો ઈરાન કોઈ સમજૂતી નહીં કરે, તો યુદ્ધ વધુ ઉગ્રતાથી ચાલુ રહેશે.

હેગસેથે જણાવ્યું કે ઈરાન સાથેના આ સંઘર્ષમાં આગામી દિવસો નિર્ણાયક સાબિત થશે. અમેરિકા પાસે અનેક વિકલ્પો છે, જ્યારે ઈરાન પાસે મર્યાદિત તકો છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સનો હવાલો આપતા તેમણે દાવો કર્યો કે અમેરિકી હુમલાઓને કારણે ઈરાની સેનાનું મનોબળ તૂટી ગયું છે. મોટા પાયે સૈનિકો ભાગી રહ્યા છે, મહત્વના કર્મચારીઓની અછત સર્જાઈ છે અને વરિષ્ઠ નેતાઓમાં હતાશા વધી રહી છે.

હેગસેથે તાજેતરમાં મધ્ય પૂર્વમાં તૈનાત સૈનિકોની મુલાકાત લીધી હતી જેથી ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય ઓપરેશનની સ્થિતિનો સીધો તાગ મેળવી શકાય. બીજી તરફ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે હોર્મુઝની ખાડી બંધ થવાને કારણે જેટ ઈંધણની અછતનો સામનો કરી રહેલા સાથી દેશો પર નિશાન સાધ્યું છે. 

ટ્રમ્પે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, જે દેશો ઈંધણની અછત વેઠી રહ્યા છે, તેમણે થોડી હિંમત બતાવીને જાતે હોર્મુજ જઈને તેને ખુલ્લું કરાવવાનો પ્રયાસ કરવો જોઈએ. અન્યથા, બીજો વિકલ્પ એ છે કે તે દેશોએ અમેરિકા પાસેથી તેલ ખરીદવું જોઈએ.

જો હોર્મુઝ ખોલવામાં નહીં આવે તો ફરીથી હુમલા કરવામાં આવશે તેવું નિવેદન આપ્યાના થોડા જ કલાકમાં ટ્રમ્પનું ઉપરોકત નિવેદન સામે આવ્યું છે. આ સ્થિતિ મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધારી શકે છે.