+

ઈરાનને ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટમ, હોર્મુઝ ખોલો નહીં તો પાવર પ્લાન્ટ કરાશે તબાહ

વોશિંગ્ટન ડીસી: પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે વિશ્વભરમાં ઉર્જા સંકટ ઘેરાતું જઈ રહ્યું છે. હોર્મુઝની ખાડીમાં વેપારી જહાજોની અવરજવર પર ઈરાન તરફથી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે, જેના કારણે મોટી સંખ્યામાં જ

વોશિંગ્ટન ડીસી: પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે વિશ્વભરમાં ઉર્જા સંકટ ઘેરાતું જઈ રહ્યું છે. હોર્મુઝની ખાડીમાં વેપારી જહાજોની અવરજવર પર ઈરાન તરફથી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે, જેના કારણે મોટી સંખ્યામાં જહાજો ત્યાં ફસાયેલા છે.  અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે, જો તેણે 48 કલાકની અંદર હોર્મુઝની ખાડીને કોઈ પણ શરત વિના સંપૂર્ણપણે નહીં ખોલી, તો અમેરિકા તેના મુખ્ય પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરશે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો ઈરાન સમય મર્યાદામાં પગલાં નહીં ભરે, તો અમેરિકા તેના ઉર્જા માળખાને નિશાન બનાવશે. આ કાર્યવાહી સૌથી મોટા પાવર પ્લાન્ટથી શરૂ થઈને અન્ય ઠેકાણાઓ સુધી વધશે.

હોર્મુઝની ખાડી વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે. વૈશ્વિક તેલ પૂરવઠાનો મોટો હિસ્સો આ માર્ગ પરથી પસાર થાય છે. જો અહીં કોઈ પણ પ્રકારનો અવરોધ આવે, તો તેની અસર સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને તેલની કિંમતો પર પડી શકે છે. નોંધનીય છે કે એક દિવસ પહેલા જ અમેરિકાએ ઈરાની તેલની ખરીદી પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો હતો, જેને પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે અમેરિકાનો મોટો યુ-ટર્ન માનવામાં આવી રહ્યો છે.

UAE ના નેતૃત્વમાં 22 દેશોએ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને ઈરાનની આકરી ટીકા કરી છે. નિવેદનમાં જણાવાયું છે કે, અમે ઈરાન દ્વારા ખાડી વિસ્તારમાં નિઃશસ્ત્ર વ્યાપારી જહાજો અને નાગરિક માળખાકીય સુવિધાઓ પરના હુમલા તેમજ હોર્મુઝને અસરકારક રીતે બંધ કરવાના પ્રયાસોની સખત નિંદા કરીએ છીએ. આ દેશોએ ઈરાનને તાત્કાલિક હુમલા રોકવા, દરિયાઈ માર્ગોમાં અવરોધ ન ઊભો કરવા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 2817નું પાલન કરવા માંગ કરી છે.

facebook twitter