ભ્રષ્ટ બાબુના ઘરમાં બેડ નીચેથી મળ્યાં રૂ. 30,00,000, ધંધુકામાં નાયબ કાર્યપાલ ઇજનેરની થઇ છે ધરપકડ

08:53 PM May 03, 2024 | gujaratpost

અમદાવાદઃ ધધુંકા તાલુકાના 54 ગામના પાણી પૂરવઠાનું મરામતની કામગીરી કરતા વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવ, નાયબ કાર્યપાલક ઇજનેર  રૂ. 1,20,000 ની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. તેમના રહેણાંક મકાનની તપાસ દરમિયાન ડબલ બેડની અંદર સંતાડેલા રૂ.30,00,000 મળી આવ્યાં છે. જે રકમ કબ્જે લઇને અપ્રમાણસર મિલકતની અલગથી તપાસ એસીબીએ હાથ ધરી છે. આ ભ્રષ્ટ બાબુએ લાખો રૂપિયાની લાંચ પહેલા પણ લીધી હતી અને આ રકમ ભેગી કરી હશે, તેના જમીન-મિલ્કતોના રોકાણની પણ ઉંડી તપાસ કરાશે. જ્યારે એસીબીની ટીમે તેના નિવાસસ્થાને પહોંંચી ત્યારે તપાસ કરતા આ રકમ મળી હતી અને અધિકારીઓ તેને જોઇને ચોંકી ઉઠ્યાં હતા, બેડમાંથી રૂપિયાના બંડલ જ નીકળી રહ્યાં હતા. આ રકમ 30 લાખ રૂપિયા થઇ છે અને તેને જપ્ત કરવામાં આવી છે.

જાણો શું છે સમગ્ર મામલો ?

વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવ, નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-2), ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, ધંધુકાને લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યાં હતા. આરોપી પાસે લાંચની રકમ 1 લાખ 20 હજાર રિકવર કરવામાં આવી હતી. નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી, પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, રાણપુર રોડ, ધંધુકામાં પોતાની ચેમ્બરમાં જ આ આરોપીએ લાંચ લીધી હતી.

ફરીયાદી ધંધુકા તાલુકાના 54 ગામના પાણી પૂરવઠાનુ મરામત અને નિભાવણીની કામગીરી કરે છે.  કામગીરીના ત્રણ માસના બીલોમાં કપાત નહીં કરવા, બીલો તાત્કાલિત ફોરવર્ડ કરીને મંજૂર કરવા માટે 1 લાખ 20 હજારની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેથી ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, જેમાં આ ભ્રષ્ટ બાબુ સરકારી કેબિનમાં જ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.

સરકારના જુદાજુદા વિભાગોના અધિકારીઓ કે કર્મચારીઓ કાયદેસરના પગાર સિવાય જાહેર જનતા પાસે ગેરકાયદેસર લાંચની માંગણી કરે છે તો તમે પણ  આ અંગેની જાણ એ.સી.બી કચેરીના ટોલ ફ્રી નંબર 1064 પર કરી શકો છો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526