ડીસા રેલવે સ્ટેશનના ચીફ બુકિંગ ક્લાર્ક તત્કાલ ટિકિટના નામે રૂ. 500ની લાંચ લેતા ACBની જાળમાં સપડાયો

05:40 PM Aug 26, 2026 | gujaratpost
  • એસીબી દ્વારા લાંચિયા લોકો લાલ આંખ કરવામાં આવી છે
  • અઠવાડિયામાં પાંચથી છ દિવસ લાંચિયા લોકોને ઝડપવામાં આવી રહ્યા છે
પાલનપુરઃ ડીસા રેલવે સ્ટેશન ખાતે તત્કાલ ટિકિટના કન્ફર્મેશન પેટે ₹૫૦૦ની લાંચ લેતા ચીફ બુકિંગ ક્લાર્કને બનાસકાંઠા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
 
એક જાગૃત નાગરિક ડીસા રેલવે સ્ટેશન પર દિલ્હી જવાની તત્કાલ ટિકિટનું રિઝર્વેશન કરાવવા ગયા હતા. તે દરમિયાન ત્યાં ફરજ બજાવતા વર્ગ-3ના ચીફ બુકિંગ ક્લાર્ક સુરેશકુમાર રામુજી સોલંકીએ તત્કાલ ટિકિટ બુક કરી આપવાના અવેજ પેટે 500 રૂપિયા લાંચ પેટે માગ્યા હતા.
 
 ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશન (પાલનપુર) ખાતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ગોઠવાયેલા લાંચના છટકામાં આરોપી સુરેશકુમાર સોલંકી ડીસા રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસ ખાતે ફરિયાદી પાસેથી રૂ. 500ની લાંચ સ્વીકારતા જ સ્થળ પર પકડાઈ ગયો હતો.
 
ટ્રેપ કરનાર અધિકારી:
એલ.એસ.ચૌધરી
પોલીસ ઇન્સ્પેક્ટર, 
બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર તથા એ.સી.બી. સ્ટાફ.