+

સુરત ભાજપના કોર્પોરેટરો બાખડ્યાં, મહિલાઓની હાજરીમાં કરી ગાળાગાળી- Gujarat Post

વડીલ વય વંદના કાર્ડ વિતરણ કાર્યક્રમ હેઠળ બેઠક બાદ યોજાયેલા ભોજન સમારંભમાં ઘટના બની બંને કોર્પોરેટરોએ એકબીજા પર આરોપ લગાવ્યાં સુરતઃ શહેરમાં ફરી એકવાર ભાજપનો વિવાદ સામે આવ્યો હતો. ભાજપ કાર્યાલયમાં

વડીલ વય વંદના કાર્ડ વિતરણ કાર્યક્રમ હેઠળ બેઠક બાદ યોજાયેલા ભોજન સમારંભમાં ઘટના બની

બંને કોર્પોરેટરોએ એકબીજા પર આરોપ લગાવ્યાં

સુરતઃ શહેરમાં ફરી એકવાર ભાજપનો વિવાદ સામે આવ્યો હતો. ભાજપ કાર્યાલયમાં વડીલ વય વંદના કાર્ડ વિતરણ કાર્યક્રમની બેઠક બાદ યોજાયેલા ભોજન સમારંભમાં ભાજપના બે કોર્પોરેટરો બાખડી પડ્યા હતા. 4-5 મહિલા કોર્પોરેટર, 10-12 કોર્પોરેટરોની હાજરીમાં જ વોર્ડ-20 (ખટોદરા-મજૂરા-સગ્રામપુરા)ના કોર્પોરેટર દીપેન દેસાઇ અને વોર્ડ-21 (નાનપુરા-અઠવા-પીપલોદ)ના વ્રજેશ ઉનડકટ ગાળાગાળી પર ઉતરી આવ્યાં હતાં. સાથી કોર્પોરેટરોએ બંનેને માંડ-માંડ છૂટા પાડ્યાં હતા. દીપેને વ્રજેશને લારી-ગલ્લા કમિટી ચેરમેન કહેતાં વિવાદ સર્જાયો હતો. દીપેને કોર્પોરેટર શોખથી બન્યો છું. મને કોઇની પડી નથી, તારા આકાને પણ કહી દે જે તેવી ચીમકી આપી હતી.

કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે જણાવ્યું કે, મીટિંગમાં પાછળ બેસીને દીપન મારી ઇમેજ બગાડવા લારી-ગલ્લા ચેરમેન છે તેવી ટિપ્પણી કરી હતી. તેથી મેં કહ્યું કે તું આ બધુ બંધ કરી દે. પીઠ પાછળ કેમ બોલે છે. સામે બોલ. હર્ષભાઈની ઓફિસે બેઠા હોય તો ફેરિયા રજૂઆત માટે આવતા હોય છે. સમસ્યાનો ઉકેલ લાવીએ છીએ, તેમાં મારી ઇમેજ બગાડે છે, તેથી બોલાચાલી થઈ હતી.  

બનાવ અંગે કોર્પોરેટર દીપેન દેસાઈએ જણાવ્યું કે મારા વિસ્તારમાં જોગર્સ પાર્ક ખાતે લારી-ગલ્લા સહિતનાં દબાણો રહેવાસીઓને પસંદ ન હોવા છતાં વ્રજેશ લારી-ગલ્લા મુકવા ભલામણ કરે છે, તેથી લારી-ગલ્લા ચેરમેન કીધું હતું. આ જૂની બાબત છે છતાં તે આજે ગાળ બોલ્યો જેથી તેને કહી દીધું હતું કે, હું શોખથી કોર્પોરેટર બન્યો છું. મને કોઇની પડી નથી. ત્યારે મહિલાઓની હાજરીમાં અપશબ્દોનો ઉપયોગ થતા ભાજપના આ નેતાઓ સામે રોષ વ્યાપી ગયો છે.

facebook twitter