રાહુલ ગાંધી હાથરસમાં પીડિતોના ઘરે પહોંચ્યાં, મૃતકોના પરિવારોના સભ્યોને મળીને આપી સાંત્વના

11:50 AM Jul 05, 2024 | gujaratpost

ઉત્તરપ્રદેશઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાથરસ નાસભાગમાં જીવ ગુમાવનારા પીડિતોના ઘરે પહોંચ્યાં હતા. તેમણે મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી. રાહુલ ગાંધી દિલ્હીથી રોડ માર્ગે સવારે લગભગ 7 વાગ્યે અલીગઢના પીલખાના પહોંચ્યાં હતા. તેઓ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને મળ્યાં હતા. તે બાદ હાથરસના નવીપુર ખુર્દ, વિભવ નગર સ્થિત ગ્રીન પાર્ક પહોંચશે, જ્યાં તે આશા દેવી, મુન્ની દેવી અને ઓમવતીના પરિવારોને મળશે. ત્યાં તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે.

હાથરસ નાસભાગ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં આયોજક સમિતિ સાથે સંકળાયેલા છ સેવાદારની ધરપકડ કરી છે. આ ઘટનાના મુખ્ય આયોજક-મુખ્ય સેવકની ધરપકડ કરવા માટે 1 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

ધરપકડ કરાયેલા લોકોમાં ઉપેન્દ્ર, મંજુ યાદવ, મુકેશ કુમારનો સમાવેશ થાય છે. ઘટના અંગે અલીગઢના આઈજી શલભ માથુરે જણાવ્યું કે આરોપીઓની ઓળખ અને ધરપકડ કરવા માટે ઝોન સ્તરે તમામ જિલ્લાઓમાં એસઓજીની ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમજ સ્થળ પરથી મળેલા પુરાવાઓને લઇને તપાસ શરૂ કરી છે.

ધરપકડ કરાયેલા લોકોએ જણાવ્યું છે કે બાબાના પગની ધૂળ લેવાથી ઘણી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. તેઓ નોકર તરીકે કામ કરે છે, સમિતિના અધ્યક્ષ અને સભ્યો છે. જો બાબાનું નામ ચર્ચામાં આવશે તો તે મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડ્યે બાબાની પૂછપરછ કરવામાં આવશે.

આઈજીએ કહ્યું કે મૃત્યુઆંક 121 છે. તમામ મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 105, 110, 126(2), 223 અને 238 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526