ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કરતા તેમને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવ મુક્યાં બાદ અધ્યક્ષે આ કાર્યવાહી કરી હતી, કોંગ્રેસે પૂછેલા ટૂંકી મુદ્દતના પ્રશ્નો રદ્દ થવા બાબતે કોંગ્રેસના ધારાસભ્યોએ સવાલ ઉઠાવ્યાં હતા અને બેનરો સાથે ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકારનો વિરોધ દર્શાવ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કરીને ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતુ. કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ટૂંકી મુદ્દતના પ્રશ્નો રદ્દ થતાં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. સાયકલ કૌભાંડ, જમીન કૌભાંડ સહિતના 18 પ્રશ્નો રદ્દ થવા બાબતે કોંગ્રેસે સરકારનો વિરોધ કર્યો છે. કોંગ્રેસે કેટલાક મુદ્દે ગૃહમાં ચર્ચા ન થતા નારાજગી દર્શાવી હતી અને લોકશાહીની હત્યા કરવાનું બંધ કરો, તેવો સૂત્રોચ્ચાર કર્યો હતો.
જેથી આજના એક દિવસ માટે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. નોંધનિય છે કે કોંગ્રેસે ગૃહમાં વિદેશમાં રહેલા શિક્ષકો, સાયકલ યોજના કૌભાંડ અને જમીન કૌભાંડોને લઇને ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકાર પાસે જવાબ માંગ્યો છે અને તેમના પ્રશ્નો પર ચર્ચા ન થતા કોંગ્રેસ ધારાસભ્યોએ રોષ વ્યક્ત કર્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526