છત્તીસગઢના સુકમામાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, 2 જવાનો શહીદ

10:20 AM Jun 24, 2024 | gujaratpost

છત્તીસગઢઃ નક્સલ પ્રભાવિત જિલ્લા સુકમામાંથી મોટા સમાચાર સામે આવ્યાં છે. અહીં બે સૈનિકો IED બ્લાસ્ટમાં શહીદ થયા છે. ઘટના વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે વિસ્ફોટ જાગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સિલ્ગર અને ટેકુલગુડેમની વચ્ચે થયો હતો. નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા IED બ્લાસ્ટમાં CRPF કોબ્રા 201 બટાલિયનના બે જવાનો શહીદ થયા છે.

નક્સલીઓએ જવાનોની ટ્રકને નિશાન બનાવીને વિસ્ફોટને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં CRPFના બે જવાનો શહીદ થયા છે જ્યારે ઘણા જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સુકમા એસપી કિરણ ચવ્હાણે ઘટનાની પુષ્ટિ કરી છે.

એસપી કિરણ ચવ્હાણે જણાવ્યું કે જગરગુંડા વિસ્તાર હેઠળના કેમ્પ સિલ્ગરથી 201 કોબ્રા કોર્પ્સની એડવાન્સ પાર્ટી આરઓપી ડ્યુટી દરમિયાન કેમ્પ ટેકલગુડેમ જઈ રહી હતી. આ કાફલામાં ટ્રક અને મોટરસાઈકલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કેમ્પ સિલ્ગરથી ટેકલગુડેમ જવાના માર્ગ પર નક્સલવાદીઓ દ્વારા આઈઈડી પ્લાન્ટ કરવામાં આવ્યો હતો.

આજે લગભગ 3 વાગ્યે 201 કોબ્રા કોર્પ્સનો એક ટ્રક IED ને ટક્કર મારતા બ્લાસ્ટ થયો હતો. જેમાં એક ટ્રક ડ્રાઈવર અને કો-ડ્રાઈવર ઘટનાસ્થળે જ શહીદ થયા હતા. અન્ય તમામ સૈનિકો સુરક્ષિત છે. શહીદ થયેલા જવાનોના નામ વિષ્ણુ આર અને શૈલેન્દ્ર હોવાનું કહેવાય છે. ઘટના સ્થળેથી શહીદ જવાનોના પાર્થિવ દેહને બહાર કાઢવામાં આવી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526