- ચંડોળા તળાવને કાંકરિયા તળાવની જેમ જ વિકસાવવામાં આવશે
- સાત તબક્કામાં ડેવલપમેન્ટું કામ થશે
અમદાવાદઃ દેશભરમાં છેલ્લા બે દિવસથી ચંડોળા તળાવમાં ડિમોલિશનનો મુદ્દો ચર્ચામાં છે, બાંગ્લાદેશી ઘૂસણખોરોના આકા લલ્લા બિહારી તથા તેના પુત્રની પોલીસે ધરપકડ કરી હતી. તંત્ર દ્વારા ચંડોળામાં 4,000 જેટલા નાના-મોટા કાચા-પાકા મકાનો અને ઝૂંપડાઓને તોડી પાડીને દોઢ લાખ ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા પરના દબાણો દૂર કરાયા છે. કાંકરિયા તળાવ બાદ સૌથી મોટા એવા ચંડોળા તળાવ પર આ દબાણો દૂર કર્યા બાદ હવે તેના પર ડેવલોપમેન્ટની કામગીરી ઝડપી કરવામાં આવશે. ચંડોળા તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર હસ્તગત ચંડોળા તળાવને ડેવલોપમેન્ટ કરવા માટે વર્ષ 2024માં મંજૂરી આપવામાં આવી હતી. આ પૂર્વ વિસ્તારમાં દાણીલીમડા અને ઇસનપુર સુધી ફેલાયેલું સૌથી મોટું તળાવ છે, જે અંદાજે 1,200 એકરની જગ્યામાં ફેલાયેલું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તળાવને ડેવલોપમેન્ટ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત કુલ સાત ફેઝમાં તળાવને ડેવલોપમેન્ટ કરવામાં આવશે. પ્રથમ ફેઝની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દાણીલીમડાથી નારોલ તરફ જવાના રોડ ઉપરના ભાગને પ્રથમ ફેઝમાં ડેવલપમેન્ટ કરવામાં આવશે. ચંડોળા તળાવને ડેવલપમેન્ટ કરીને નર્મદાના પાણીથી ભરવામાં આવશે. ઘોડાસર પાસેથી પસાર થતી કેનાલના પાણીને તળાવમાં ઠાલવવામાં આવશે. STP પ્લાન્ટ ઊભો કરવામાં આવશે જેમાંથી ગટરનું ટ્રીટ કરેલું પાણી પણ તળાવમાં છોડવામાં આવશે જેના કારણે તળાવ બારેમાસ ભરેલું રહેશે.
તળાવની ફરતે ડ્રેનેજ લાઈન, વોક વે, બીઆરટીએસ રોડ ઉપર ડેવલોપમેન્ટ એરિયામાં અપર પ્રોમીનાડ અને લોઅર પ્રોમીનાડ, એમ્પીથીયેટર, જંગલ જીમ, ખંભાતી કુવા, પાર્ટીપ્લોટ બ્રાઇડ રૂમ, ગ્રુમ રૂમ, ઇવેન્ટ માટે શેડ, સુએજ પંપીંગ સ્ટેશન વગેરે બનાવવામાં આવશે.
બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરીને આવતા લોકો માટે ચંડોળા તળાવમાં લલ્લા બિહારી મદદગાર હતો. તેની એવી પહોંચ હતી કે, દરેકના નકલી ડોક્યુમેંટ બનાવી દેતો હતો.મહમૂદ પઠાણના ઉર્ફે લલ્લા બિહારીના નામથી જાણીતા આ માફિયાએ ચંડોળા તળાવ અને તેની આસપાસ સરકારી જમીન પર કબ્જો કર્યો હતો. જે બાદ તેણે તેનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું.