રાજકોટમાં નિવૃતિ બાદ પણ લાંચનો ખેલ, એરિયર્સ બિલ મંજૂર કરવા રૂ. 80 હજારની લાંચ માંગી હતી

11:08 AM Jan 31, 2026 | gujaratpost

રાજકોટઃ એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક લાંચ કાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ત્રણ લોકોને ઝડપી લેવામાં આવ્યાં છે. એરિયર્સ બિલ મંજૂર કરવા માટે લાંચ લેનારા નિવૃત્ત ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ લોકો સામે સકંજો કસાયો છે. મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સના ઝોનલ એકાઉન્ટ ઓફિસના આસિસ્ટન્ટ એકાઉન્ટની પણ ધરપકડ કરાઇ છે.

ફરિયાદીનું 4 લાખ રૂપિયાનું એરિયર્સ બિલ મંજૂર કરવા માટે 20 ટકા લેખે 80 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી, અંતે 50 હજાર રૂપિયામાં બધું નક્કિ કરાયું હતુ. જેમાં 5 હજાર રૂપિયા પહેલા લઇ લેવામાં આવ્યાં હતા અને બાદમાં 45 હજાર રૂપિયા લેવા આવેલા આરોપીઓ ઝડપાઇ ગયા હતા. 
  
ઇન્કમટેક્સ ઓફિસ સામે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન ઝોનલ એકાઉન્ટ ઓફિસના આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર રવિ કુમાર જાંગીડ દ્વારા નિવૃત્ત ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર શૈલેષ ચૌહાણ સાથે હેતુલક્ષી વાતચીત કરવામાં આવી હતી. રવિ કુમાર જાંગીડના કહેવા મુજબ નિવૃત્ત ઇન્સ્પેક્ટર શૈલેષ ચૌહાણ દ્વારા ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ નક્કિ કરાઇ હતી. ઇન્કમટેક્સ ઓફિસના પટાવાળા અક્ષય વાગડિયા રૂ. 45 હજારની લાંચ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાયા હતા.