ભાવનગરઃ મનપા દ્વારા ચાર દિવસ પૂર્વે ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટને અડચણરૂપ 780 ગેરકાયદેસર બાંધકામોને હટાવવા માટે 15 દિવસની મુદત સાથેની નોટિસ ફટકારવામાં આવી હતી. ગઢેચી વોટર બોડીના શુધ્ધિકરણના પ્રોજેક્ટ માટે દબાણ હટાવવાના હોવાથી ભાવનગર ઝુંપડપટ્ટી હીત રક્ષા સમિતીની આગેવાનીમાં મહાપાલિકાની કચેરીએ ઉગ્ર વિરોધ સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. અહીં પાકિસ્તાન ઝીંદાબાદના નારા લાગ્યા હતા.વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ કાર્યકરો સહિતના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતાં. પ્રોજેક્ટ માટે દબાણ હટાવવાના છે ત્યારે સ્થાનિક લોકોને રહેવા માટેની વૈકલ્પીક વ્યવસ્થા કરવા માંગણી કરી હતી. પોલીસ વિરોધ કરતા લોકોને પકડી પોલીસ મથકે લઈ ગઈ હતી.
ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ, યોજના વિભાગ તથા એસ્ટેટ વિભાગ દ્વારા ગૌરીશંકર તળાવ (બોર તળાવ)થી ક્રીક સુધીના ગઢેચી વોટર બોડીના શુધ્ધિકરણના પ્રોજેક્ટ માટે કુંભારવાડા બ્રિજથી ક્રિક સુધીના વિસ્તારમાં ગઢેચી વોટર બોડીના બંને કાંઠે રહેતા આશરે 800 થી વધુ આસામીઓને તાજેતરમાં અંતિમ નોટિસ ફટકારવામાં આવતા ફફડાટ ફેલાયો છે. આ તમામ લોકોને માલિકી આધારો તથા બાંધકામ મંજૂરીના આધારો રજૂ કરવા જણાવવામાં આવેલ છે તેથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
આ વિસ્તારમાં હજારો લોકો વર્ષોથી રહે છે અને આ પ્રોજેકટ માટે દબાણ હટાવવામાં આવશે તો લોકો ઘર વિહોણા થાય તેમ છે ત્યારે પ્રોજેક્ટ માટે દબાણ હટાવવાના છે ત્યારે સ્થાનિક લોકોને રહેવા માટેની વૈકલ્પીક વ્યવસ્થા કરવા માંગણી ઉઠી છે. આ મામલે આજે બુધવારે ભાવનગર ઝુંપડપટ્ટી હીત રક્ષા સમિતીની આગેવાનીમાં રેલી કાઢી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને મહાપાલિકાનો ઘેરાવ કર્યો હતો. રેલીમાં કોંગ્રેસ કાર્યકરો સહિતના લોકો બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
ભાજપ હાય હાયના નારા લગાવાયા હતાં. પાકિસ્તાન ઝીંદાબાદના નારા લગાવ્યાં હતા અને મકાન ન આપી શકો તો પાકિસ્તાન મોકલી દો તેમ વિરોધ કરતા લોકોએ જણાવ્યું હતું. મહાપાલિકામાં દરવાજા બંધ કરી દેવામાં આવ્યાં હતા અને કોઈએ રજૂઆત સાંભળી ન હતી. જોકે વિરોધ દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગતા પોલીસ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક અટકાયતી પગલા લીધા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/