બનાસકાંઠાના અમીરગઢ જંગલમાંથી 10 શિકારી ઝડપાયા, 16 કલાક બાદ મળી સફળતા

08:10 PM Nov 19, 2025 | gujaratpost

આ ગેંગ નીલગાયનો શિકાર કરીને માંસ થેલીઓમાં ભરતી હતી ત્યારે જ પોલીસ ત્રાટકી

પાંચ બંદૂક સહિતનાં હથિયારો જપ્ત કરવામાં આવ્યાં

કોર્ટે જામીન નામંજૂર કરતાં તમામને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યાં

બનાસકાંઠાઃ જિલ્લાના અમીરગઢના જંગલમાંથી વન વિભાગ અને પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન કરીને એક શિકારી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ જંગલમાં નીલગાયને નિશાન બનાવીને શિકાર કરતી હોવાની બાતમી વન વિભાગને મળી હતી. વન વિભાગની ટીમ વન્યજીવ રેન્જ ઇકબાલગઢના કપાસિયા રાઉન્ડમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે તેમને શિકારના ઇરાદે ઘૂસેલા અજાણ્યા ઇસમો વિશે બાતમી મળી હતી.

સર્ચ દરમિયાન તેમને બંદૂકના ધડાકાના અવાજ સંભળાતા ટીમે તે દિશામાં આગળ વધીને ઓપરેશન શરૂ કર્યું હતું. સતત 16 કલાક સુધી જંગલ ખૂંદ્યા બાદ પોલીસ અને વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમને જોઇને 4 શખસ નાસી છૂટવામાં સફળ રહ્યા, જ્યારે 10 સભ્યોની શિકારી ગેંગ હાથ લાગી હતી.

આરોપીઓ નીલગાયનો શિકાર કરીને તેના માંસને પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી રહ્યાં હતા.વન અધિકારીઓએ શિકારીઓ પાસેથી પાંચ બંદૂક જપ્ત કરી હતી, જેમાંથી ચાર બંદૂક લાઇસન્સ વગરની હોવાનું સામે આવ્યુંહતું. ગેરકાયદેસર શિકાર ઉપરાંત ગેરકાયદેસર હથિયારો રાખવા બદલ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. કોર્ટે તેમના જામીન નામંજૂર કરતાં તમામને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યા હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++