બીજા કોઇ વ્યક્તિની લાશ કાઢીને કારમાં સળગાવી નાખી
પોલીસે ષડયંત્રનો કર્યો પર્દાફાશ
બનાસકાંઠાઃ જિલ્લામાં હિન્દી ફિલ્મ જેવી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. રૂ. 1.50 કરોડના વીમાના નાણાં પડાવીને દેવું ભરવા માટે હોટલનો ધંધો કરનારા શખ્સે પોતાના મોતનું કાવતરું ઘડ્યું હતું. બનાસકાંઠા પોલીસે આ પ્લાનને નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસે દલપતસિંહ પરમારના ત્રણ સાગરિતોની ધરપકડ કરી છે. હોટલ વ્યવસાયીએ તેના મોતનું કાવતરું ઘડ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.
શું છે સમગ્ર મામલો ?
પોલીસના જણાવ્યાં અનુસાર બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધનપુરા ગામમાં એક કારમાં બળી ગયેલા અવશેષો મળી આવ્યાં હતા. કારની અંદર માનવ શરીરના સળગેલા અવશેષો હતા. પોલીસે વાહનના રજીસ્ટ્રેશન નંબરની તપાસ કરતાં તે દલપતસિંહ પરમારનો હોવાનું જાણવા મળ્યું હતું. તેના પરિવારજનોએ મૃતદેહ તેનો જ હોવાની પુષ્ટિ કરી હતી, પરંતુ પોલીસને શંકા જતા કારમાં રહેલા મૃતદેહના સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યાં હતા, જેમાં આ અવશેષો બીજા કોઇના હોવાનું સામે આવ્યું હતુ.
આ રીતે પોલીસે પર્દાફાશ કર્યો
પોલીસે જ્યારે ઊંડી તપાસ કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે પરમારે હોટલ બનાવવા માટે મોટી લોન લીધી હતી અને તેના પર દેવું થઇ જતા તેમાંથી બહાર નીકળવા માટે તેણે કાર અકસ્માતમાં તેના નકલી મોતની યોજના બનાવી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે પરમાર જ્યાં સુધી પરિવારને પૈસા ન મળે ત્યાં સુધી તે છુપાઈને રહેવાનો હતો. દલપતસિંહ પરમારે તેના ભાઈ સહિત કેટલાક સંબંધીઓને મદદ કરવા માટે આ પ્લાનમાં સામેલ કર્યાં હતા.
જમીનમાં દાટેલા મૃતદેહને બહાર કાઢીને કારમાં સળગાવ્યો
બનાસકાંઠા પોલીસે જણાવ્યું હતું કે દલપતસિંહ પરમારે ચાર મહિના પહેલા મૃત્યુ પામેલા રમેશભાઇ તળશીભાઇ સોલંકીના મૃતદેહને બહાર કાઢીને તેની કાર સાથે સળગાવી દીધો હતો. ગુજરાતમાં કેટલાક હિંદુ સંપ્રદાયો મૃતકોને અંતિમ સંસ્કાર કરવાને બદલે દફનાવે છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/