કૉંગ્રેસ નેતા શક્તિસિંગ ગોહિલ આજે અમરેલીની મુલાકાત લેશે
અમરેલીઃ તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામ વાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જણાવ્યું હતું. લેટરમાં ધારાસભ્યને બદનામ કરવા મામલે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી. આ પછી પોલીસે લેટરકાંડમાં પટેલ સમાજની કુવારી દીકરીનું સરઘસ કાઢ્યું હતું. પાટીદાર દીકરીનું આ રીતે સરઘસ કાઢવામાં આવતા કૉંગ્રેસે સવાલ ઉઠાવીને પાટીદાર અગ્રણીઓને રજૂઆત કરતાં મામલો ગરમાયો છે.
કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ એક્સ પર લખ્યું કે, લાજ લેનારા સામે લડીશું. કૌરવ કુળના અહંકારી લોકોએ અમરેલીની ભરબજારમાં એક કુંવારી કન્યાનો ‘જાહેરમા વરઘોડો’ કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે. સમાજ ક્યારેય માફ નહી કરે.
બીજી તરફ લેટરકાંડના આરોપીઓમાં સામેલ પાટીદાર યુવતીની બદનામી થતી હોવા મામલે અમરેલીમાં ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયા, મનોજ પનારા અને ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના આગેવાનોએ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા, ધારાસભ્ય મહેશ કસવાળા, સાંસદ ભરત સુતરીયા અને ફરિયાદી કિશોર કાનપરીયા સાથે બેઠક કરી હતી. જેમાં પટેલ સમાજની યુવતી સામેની ફરિયાદ પાછી ખેચવાની ચર્ચાઓ કરાઈ હતી. બાદમાં એસપી ઓફિસે રજૂઆત કરવામાં આવી હતી.
ખોડલધામ ટ્રસ્ટી દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે, આ લેટર કાંડમાં પાટીદાર દીકરીને તાત્કાલિક મુક્તિ મળે અને ફરિયાદમાંથી નામ નીકળે એ માટે ગૃહવિભાગ અને સરકાર સુધી વાત પહોંચાડી છે. ફરિયાદી પક્ષે જે લોકો છે એ લોકોએ અને કૌશિકભાઈ વેકરીયાએ મોટા મને આ વાત સ્વીકારી છે. ફરિયાદ ખેંચવા માટે રજૂઆત કરાઇ છે.ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને બદનામ કરતા લેટરકાંડમાં જે કેસ થયો છે. જેમાં એક પાટીદાર દીકરીનું નામ આવ્યું છે. આ બાબતે આજે બેઠક કરતા કૌશિકભાઈ વેકરીયાએ પણ દીકરીને ઝડપથી જામીન મળે તે માટે સહમતી આપી હતી.
પોલીસ તપાસ દરમિયાન, આ લેટરપેડનો આ વિવાદ યુવા ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ મનીષ વઘાસિયા સુધી પહોંચ્યો હતો. ફરિયાદના બીજા જ દિવસે પોલીસે વઘાસિયા અને તેમની સાથે બીજા ત્રણ લોકો જશવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોળિયા, જિતુ ખાત્રા અને મનીષ વઘાસિયાની ઑફિસમાં કામ કરતી યુવતીની ધરપકડ કરી હતી. આ ધરપકડ થયા બાદ આરોપીઓને પોલીસ વઘાસિયાની ઑફિસમાં લઈ ગઈ હતી, જ્યાં એ પત્ર કે લેટરપેડ તૈયાર થયો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આ પછી વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને સમગ્ર વિવાદ શરૂ થયો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/