અમરેલીઃ અત્યાર સુધી તમે કોઈ મહાપુરુષ કે સંતને સમાધિ લેતા સાંભળ્યા હશે, પરંતુ અમરેલીમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ પોતાની લકી કારને સમાધિ આપી છે. આ પ્રસંગે આ વ્યક્તિએ સંબંધીઓને પણ બોલાવ્યાં હતા. કારને સમાધિ અપાતી જોવા માટે આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા.
ફૂલોથી કારને શણગારીને સમાધિ આપી
અમરેલીના પદરશીગા ગામના ખેડૂત સંજય પોલારે પોતાની લકી કાર વેચી ન હતી, પરંતુ તેને પોતાના ખેતરમાં સમાધિ આપી દીધી હતી. પોલારે પોતાના ખેતરમાં એક મોટો ખાડો ખોદીને પંડિતને બોલાવીને શાસ્ત્રો પ્રમાણે કારને સમાધિ આપી હતી. સંજય પોલારે કહ્યું કે તેમને આ કાર ખરીદી હતી ત્યારથી તેમની આર્થિક સ્થિતિ સારી થઇ ગઇ હતી, એટલા માટે તેને વેચવા માંગતા ન હતા.
15 વર્ષ પહેલા કાર ખરીદી હતી
સંજય પોલારે 15 વર્ષ પહેલા વેગનઆર કાર 85,000 રૂપિયામાં ખરીદી હતી. તે સમયે તે એક ખેડૂત હતા અને તેમના ગામમાં ખેતીકામ કરતા હતા. કાર આવ્યાં બાદ ખેતરમાં ઉત્પાદનમાં ઘણી પ્રગતિ થઈ અને તેઓ સુરત જઈને બિલ્ડર તરીકે કામ કરવા લાગ્યાં, બાંધકામનું કામ ખૂબ જ સારી રીતે શરૂ થયું. આજે 15 વર્ષ પછી તેમની પાસે ઓડી કાર છે અને તેમની આર્થિક સ્થિતિ ઘણી સારી છે.
કારને સમાધિ આપવાનું કારણ આપવામાં આવ્યું
સંજય પોલારે કહ્યું કે મેં વિચાર્યું કે જો હું તેને ઘરે રાખીશ તો કોઈ કાર લઈ જશે અથવા તેના પાર્ટ્સ માંગવા આવશે. કોઈને ના પાડવી પડશે. એટલા માટે તેમને લકી કારને પોતાના ખેતરમાં જ સમાધિ આપી દીધી, આ પ્રસંગે ખેડૂતે પોતાના સંબંધીઓ અને મિત્રોને બોલાવીને કાર્યક્રમને ઉજવણીમાં ફેરવી દીધો હતો, 1500 લોકોનાં જમનવાર સાથે આ કારની સમાધિની વિધી કરવામાં આવી હતી.આ ખેડૂતનું કહેવું છે કે તે કારને ખૂબ જ પ્રેમ કરે છે અને તેને પોતાની યાદોમાં રાખશે, જ્યાં કારની સમાધિ છે તે જગ્યાએ ઝાડ ઉગાડવામાં આવશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++