પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 12 લોકોનાં મોતથી સરકાર સામે આક્રોશ

07:01 PM Jul 09, 2025 | gujaratpost

12 લોકોના મોત, કેટલાક લોકોને બચાવાયા

વર્ષો જૂનો બ્રિજ લાંબા સમયથી ખખડધજ હાલતમાં હતો

બ્રિજ તૂટી પડતાં આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો

મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની રાજ્ય સરકાર કરશે સહાય

વડોદરાઃ પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળી હતી, ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ બ્રિજનો વીડિયો તેમના એક્સ હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો. તેમણે લખ્યું, આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રીજ તૂટી પડ્યો છે. અનેક વાહનો નદીમાં પડતા મોટી જાનહાનિ થઈ હોવાની શક્યતા છે. સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરે અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.

હાલ મળતી વિગતો પ્રમાણે પાદરા તાલુકાના મુજપુર પાસેના ગંભીરા બ્રિજ પર ભંગાણને કારણે બે ટ્રક, એક પિકઅપ વાન સહિત ચાર વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. બ્રિજ તૂટતા 12 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકોનું રેસ્કયુ કરાયું છે. સ્યૂસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા,ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે.

રાજ્ય સરકારના તપાસના આદેશ, પરંતુ લોકોમાં આક્રોશ

ઉલ્લેખનીય છે કે આજે સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો. આણંદ જિલ્લાને વડોદરા જિલ્લાથી જોડતો મહત્વનો બ્રિજ વચ્ચેથી જ તૂટી પડ્યો હતો. વર્ષો જૂનો બ્રિજ લાંબા સમયથી ખખડધજ હાલતમાં હતો.

મૃતકોનાં નામ 
-  વૈદિકા રમેશભાઈ પઢીયાર, ગામ-દરિયાપુરા
-  નૈતિક રમેશભાઈ પઢીયાર, ગામ-દરિયાપુરા
- હસમુખભાઈ મહીજીભાઈ પરમાર, ગામ-મજાતણ
- રમેશભાઈ દલપતભાઈ પઢીયાર, ગામ-દરિયાપુરા
- વખતસિંહ મનુસિંહ જાદવ, ગામ-કાન્હવા
- પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ, ગામ-ઉંડેલ