GST એ અમદાવાદની ફાર્મા કંપનીમાંથી 114.89 કરોડના કરપાત્ર વ્યવહારો ઝડપી પાડ્યાં

08:15 PM Jan 21, 2026 | gujaratpost

અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગને કરોડો રૂપિયાની કરચોરી પકડી પાડવામાં સફળતા મળી છે. શહેરમાં ફાર્મા કંપનીમાંથી 114.89 કરોડના કરપાત્ર વ્યવહારો અને 20.68 કરોડ રૂપિયાની ખોટી આઇટીસી ઝડપી લેવામાં આવી છે.

ગુજરાત રાજ્ય GST વિભાગે અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ ગ્રુપની કુલ 11 સંબંધિત પેઢીઓમાં તપાસ કરી હતી. જેમાં 32 જગ્યાઓએ દરોડા કરવામાં આવ્યાં હતા.આ પેઢીઓ એક જ જગ્યાએથી ઓપરેટ કરાતી હતી.

કેટલીક ફાર્મા કંપનીઓએ પોતાના GST રજીસ્ટ્રેશનની વિગતોમાં ફેરફાર કરીને આયર્ન એન્ડ સ્ટીલ- ઇંગોટ્સના ટ્રેડિંગને ધંધાકીય પ્રવૃત્તિ તરીકે દર્શાવેલ, હકીકતમાં આવી પેઢીઓ માલની હેરાફેરી કર્યા વિના ખોટા બિલો અને ઇ-વે બિલોને આધારે ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવામાં સંડોવાયેલી હતી. 

RFID, ઇ-વે બિલો અને ટોલ પ્લાઝા પરના ડેટા વેરિફિકેશન સહિતના અદ્યતન ડેટા એનાલિટિક્સ દ્વારા આ વ્યવહારો માત્ર કાગળ પરના (પેપર ટ્રાન્ઝેક્શન) હોવાનું સામે આવ્યું, કેટલાક ધંધાના સ્થળ તરીકે દર્શાવેલ સ્થળો પર પેઢીઓ વાસ્તવમાં કાર્યરત ન હોવાનું પણ જાણવા મળ્યું.

કેસની ગંભીરતાને ધ્યાનમાં લઇને બે વ્યક્તિઓની ધરપકડ કરાઇ છે, તેમને નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, અમદાવાદ સમક્ષ રજૂ કરવામાં આવેલા.જેમને નામદાર કોર્ટ દ્વારા ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે,જેમાં જપ્ત કરાયેલા દસ્તાવેજો, ડિજિટલ પુરાવા, નાણાંકીય વ્યવહારો (ફાઇનાન્શિયલ ટ્રેલ્સ) તથા આંતરરાજ્ય કડીઓની તપાસ થઇ રહી છે.