સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો- Gujarat Post

10:32 AM Aug 23, 2025 | gujaratpost

અમદાવાદઃ ખોખરામાં આવેલી સેવન્થ ડે હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાનો કેસ તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 15 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે, જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ, સ્ટાફ, સિક્યોરિટી ગાર્ડ અને મૃતક વિદ્યાર્થીના પરિવારનો સમાવેશ થાય છે.

તપાસમાં મળેલા પુરાવા મુજબ, સ્કૂલના સીસીટીવી ફૂટેજમાં વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં બહારથી સ્કૂલમાં આવતો અને પગથિયાં પર બેસી જતો જોવા મળ્યો હતો. એફએસએલની ટીમ પણ પુરાવા એકત્રિત કરી રહી છે.

વિદ્યાર્થીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ચોંકાવનારો છે. રિપોર્ટ મુજબ, તેના પેટ પર બહારથી માત્ર 1.5 સેન્ટિમીટરનો નાનો ઘા હતો. પરંતુ, જ્યારે ડોક્ટરોએ સર્જરી માટે પેટ ખોલ્યું, ત્યારે ખબર પડી કે શરીરમાં લોહી પહોંચાડતી અને પાછું લાવતી મુખ્ય નસો (ધમની અને શિરા) કપાઈ ગઈ હતી. આ કારણે, તેના પેટમાં જ અઢી લિટર લોહી જમા થઈ ગયું હતું.

વધુ પડતા આંતરિક રક્તસ્રાવને લીધે વિદ્યાર્થીને બચાવી શકાયો નહીં. ડોક્ટરોએ 3 કલાક સુધી ઓપરેશન કરીને નસોને ટાંકા લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ રહ્યાં નહિ. ઉપરાંત, તેના આંતરડામાં પણ ચાર કાણાં અને એક જગ્યાએ આંતરડું ફાટી ગયું હતું. જેના લીધે હૃદય, કિડની અને મગજ જેવા શરીરના મુખ્ય અંગોને લોહી મળતું બંધ થઈ ગયું અને તેનું મોત થયું હતું. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++