અમદાવાદઃ શહેરમાં સોમવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. પત્નીએ પોલીસ કોન્સ્ટેબલ પતિના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારીને તેની હત્યા કરી હતી. દાણીલીમડા પોલીસ લાઈનમાં ઘટેલી આ ઘટનામાં પતિનું મોત નીપજ્યું હોવાનું જણાતાં પત્નીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
દાણીલીમડા પોલીસ લાઈન ખાતે રહેતા મુકેશભાઈ પરમાર (ઉં.વ.34) એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. 4 ઓગસ્ટના રોજ સવારે મુકેશ અને તેમના પત્ની સંગીતા વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં પાડોશીએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. જોકે, બપોર બાદ ફરી તણાવ વધ્યો હતો. બીજી વારના ઝઘડામાં મુકેશે પત્ની સંગીતાને હેલ્મેટ માર્યું હતુ, ગુસ્સે ભરાયેલી સંગીતાએ પલંગનો પાયો મુકેશના માથામાં ફટકાર્યો હતો. માથામાં ગંભીર ઈજા થતાં મુકેશ લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો. આ ઘટનાથી ગભરાઈને સંગીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
ઘટના સમયે ઘરમાં હાજર તેમનો8 વર્ષનો પુત્ર ગભરાઈને મદદ માટે બહાર ભાગ્યો હતો. બાળક બહાર રડતા રડતા મદદ માટે બૂમો પાડતા પાડોશીઓ એકઠા થયા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંને પતિ-પત્નીને મૃત જાહેર કર્યા અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં હતા.
મુકેશના એક મહિલા સાથે આડાસંબંધ હોવાની પણ ચર્ચાઓ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુકેશ સમયાંતરે તે મહિલાને મળતો હતો. જેને પગલે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/