સૌરાષ્ટ્રમાં IPS નિર્લિપ્ત રાયની એન્ટ્રી, ગુનેગારોમાં ફફડાટ વચ્ચે નિખિલ દોંગએ કહી આ વાત

08:37 PM Mar 06, 2026 | gujaratpost

રાજકોટ: રાજ્યમાં લાંબા સમયની રાહ જોયા બાદ આખરે પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યાં છે. 37 IPS અધિકારીઓની બદલીના આદેશ જારી કરાયા છે. આ બદલીઓમાં સૌથી વધુ ચર્ચા સૌરાષ્ટ્રમાં રાજકોટ રેન્જ આઇજીના પોસ્ટિંગની થઈ રહી છે. 

રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર રેન્જમાં નવા વડાઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં જેમના નામથી જ ગુનેગારો અને માફિયાઓ ફફડે છે તેવા બાહોશ IPS અધિકારી નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના વડા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સ્વચ્છ છબી ધરાવનારા નિર્લિપ્ત રાયની નિમણૂંક પાછળ સરકારનો સ્પષ્ટ ઈરાદો ગુનેગારો સામે કડક કાર્યવાહીનો જ છે.

છેલ્લા ઘણા સમયથી રાજકોટ જિલ્લો, ખાસ કરીને ગોંડલ અને રીબડાના વિવાદોને કારણે ચર્ચામાં છે. જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચેના આંતરિક વિવાદો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે નિર્લિપ્ત રાયની એન્ટ્રી સૂચક છે. 

પાટીદાર દબંગ નેતા નિખિલ દોંગાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે, એક શક્તિશાળી બાહુબલી રાજકીય નેતાએ પૂરા પ્રયાસો કર્યા છતાં પણ જાંબાઝ અધિકારી નિર્લિપ્ત રાયને રોકી શક્યા નહીં, હવે રાજકોટ- ગોંડલમાંથી ગુંડારાજ ખતમ થશે.