અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયું અંદાજે 8 કરોડ રૂપિયાનું ડ્રગ્સ, સુરતમાંથી પણ 20 કરોડ રુપિયાનું ડ્રગ્સ જપ્ત

06:27 PM Jun 26, 2026 | gujaratpost

ATS એ કરોડો રૂપિયાનું ટ્રામાડોલ ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી

અમદાવાદઃ ગુજરાત ATS એ અમદાવાદમાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે. શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ નજીકથી અંદાજે રૂ. 8 કરોડની કિંમતનો ટ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે.

ATS એ બાતમીને આધારે દરોડા પાડતા ટ્રામાડોલ નામના પ્રતિબંધિત ડ્રગ્સનો આ જથ્થો ગુજરાતમાં ડિલિવરી થાય તે પહેલા જ આરોપીને ઝડપી લીધો હતો. વલસાડના પારડીમાં રહેતો અને મૂળ રાજસ્થાનનો પરેશ પારસમલ જૈન લાંબા સમયથી ગેરકાયદેસર રીતે સાયકોટ્રોપિક સબસ્ટન્સ ટ્રામાડોલનો વેપાર કરી રહ્યો છે. આરોપીએ અન્ય દવાઓના નામે ખોટા ટેક્સ ઇન્વોઇસ બનાવી ટ્રામાડોલનો જથ્થો અંકલેશ્વરથી રાજસ્થાન મોકલી રહ્યો હતો.

આ માહિતીને આધારે ATS એ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને SOGની સંયુક્ત ટીમની મદદથી શાહીબાગ ખાતેની MR ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 6 મોટા બોક્સમાંથી 416 નાના બોક્સ મળી આવ્યાં હતા. જેમાંથી કુલ  2,08,000 ટ્રામાડોલ ટેબલેટ્સ મળી આવી હતી. પોલીસે જપ્ત કરેલા આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 8 કરોડ 32 લાખ રૂપિયા હોવાનું ATSએ જણાવ્યું છે.

સુરતમાંથી ઝડપાયું 20 કરોડ રુપિયાનું ડ્રગ્સ

સુરત રેલવે સ્ટેશન પર DRIએ 20 કરોડ રૂપિયાનું 2 કિલો કોકેઇન જપ્ત કર્યું છે. ડીરેક્ટોરેટ ઓફ રેવન્યું ઇન્ટેલિજન્સ (DRI)ની સુરત ટીમે રેલવે સ્ટેશન પર ઓપરેશન પાર પાડ્યું છે.દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાંથી આ જથ્થો પકડાયો છે.