વડોદરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વડોદરામાં રાજકીય ગરમાવો આવ્યો છે. શહેરમાં આમ આદમી પાર્ટી (AAP)ના સંગઠનમાં ગાબડું પડ્યું છે. આપના રાજ્ય પ્રવક્તા શીતલ ઉપાધ્યાય સહિત 40થી વધુ હોદ્દેદારો અને સક્રિય કાર્યકરોએ આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો હતો. વડોદરા ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ તમામનું સ્વાગત કર્યું હતું.
ભાજપમાં જોડાનાર અગ્રણીઓમાં આપના પ્રવક્તા શીતલ ઉપાધ્યાય, દર્શન રાવલ, સંદીપ રાવલ, અરવિંદ મૌર્ય, રાજુબીન દરબાર અને ભૂષણ બાગુલનો સમાવેશ થાય છે. ઉપરાંત મનીષગીરી ગોસ્વામી, વિઠ્ઠલ આયર, સંગ્રામસિંહ કડુ અને જીગ્નેશ પટેલ જેવા પાયાના કાર્યકરો પણ જોડાયા છે. અકોટા અને માંજલપુર વિધાનસભાના અંદાજે 40 જેટલા હોદ્દેદારોએ કેસરિયો ધારણ કર્યો હતો.
ભાજપમાં પુનરાગમન કરતા શીતલ ઉપાધ્યાય ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી મારું બાળપણનું ઘર છે. આજે મને એવું લાગે છે કે જાણે દીકરી પિયરમાં પાછી આવી હોય. સંજોગોવશાત અલગ થવું પડ્યું હતું, પણ આજે પરત ફરવાનો આનંદ ઘણો મોટો છે. મેં ક્યારેય ટિકિટની માંગણી કરી નથી, પાર્ટી જે પણ જવાબદારી સોંપશે તે નિષ્ઠાપૂર્વક નિભાવીશ.
વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ આ પ્રસંગને વિશેષ ગણાવતા કહ્યું હતું કે, આજે અનેક મિત્રો ભાજપની રાષ્ટ્રહિતની વિચારધારાથી પ્રેરાઈને પરિવારમાં જોડાયા છે. આ તમામ કાર્યકરોનું ભાજપ પરિવારમાં હૃદયપૂર્વક સ્વાગત છે અને તેમને પક્ષમાં યોગ્ય સન્માન આપવામાં આવશે. આ તકે તેમણે મહિલા આરક્ષણ મુદ્દે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા.
શીતલ ઉપાધ્યાયની સાથે કુશલભાઈ, ગીતાબેન, સેજલબેન ઉપાધ્યાય અને પૂનમબેન પારેખ જેવા મહિલા અને યુવા કાર્યકરો જોડાતા વડોદરામાં આમ આદમી પાર્ટીનું સંગઠન નબળું પડ્યું છે. ખાસ કરીને અકોટા અને માંજલપુર વિસ્તારમાં ભાજપ વધુ મજબૂત થશે.