સુરતઃ ચાર મહિના પહેલા સુરતના સારોલી વિસ્તારના કુંભારિયામાં સારથી રેસિડેન્સીમાં મોડેલ સુખપ્રીત કૌરે આત્મહત્યા કરી હતી. હવે, સુરત પોલીસે આ કેસમાં સુખપ્રીતના લિવ-ઇન પાર્ટનર જે ફોટોગ્રાફર છે, તેની ધરપકડ કરી છે. મૃતક મોડેલની બેગમાંથી પોલીસને સંબોધીને લખાયેલો એક પત્ર મળી આવ્યો હતો, જેમાં ખુલાસો થયો હતો કે મોડેલને તેના લિવ-ઇન પાર્ટનર મહેન્દ્ર રાજપૂતના અમાનવીય ત્રાસ અને બ્લેકમેઇલિંગથી કંટાળીને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી.
એવો આરોપ છે કે સંબંધ તોડ્યાં પછી લિવ-ઇન પાર્ટનર મહેન્દ્ર રાજપૂતે મોડેલ સુખપ્રીતને તેના ઘરમાં માર માર્યો હતો, તેના હાથ પર બ્લેડ મારીને તેનો પગ પર ડામ આપ્યાં હતા. આ પત્ર મળ્યાં પછી, સુરતની સારોલી પોલીસે મોડેલના લિવ-ઇન પાર્ટનર મહેન્દ્ર રાજપૂત વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કેસ નોંધ્યો હતો. હવે, ચાર મહિના પછી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે વ્યવસાયે ફોટોગ્રાફર મહેન્દ્ર રાજપૂતે 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરનું શારીરિક અને માનસિક શોષણ કર્યું હતું.
મૂળ મધ્યપ્રદેશના શિવપુરીની 19 વર્ષીય સુખપ્રીત કૌર એક વર્ષ પહેલા મોડલિંગ કરવા સુરત આવી હતી. તે સારોલી કુંભારીયા ગામ પાસે સારથી રેસીડેન્સીમાં રહેતી હતી. તે દરમિયાન, 2 મે, 2025 ના રોજ રાત્રે સુખપ્રીતે તેના એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુખપ્રીતના માતાપિતા આવ્યાં પછી પોસ્ટમોર્ટમ તપાસ કરવામાં આવી હતી.
સુખપ્રીતના પિતા લખવિંદર સિંહ તેમની પુત્રીનો મૃતદેહ અને તેના સામાનને ફ્લેટમાંથી મધ્યપ્રદેશ તેના પૈતૃક ઘરે અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતા, અંતિમ સંસ્કાર પૂર્ણ થયા પછી તેના સામાનની તપાસ કરવામાં આવી હતી. બેગમાંથી સુખપ્રીત કૌર દ્વારા હિન્દીમાં લખાયેલો એક પત્ર મળી આવ્યો હતો. પોલીસ અધિકારીઓને સંબોધિત આ પત્રમાં તેના લિવ-ઇન પાર્ટનર મહેન્દ્ર રાજપૂત સામે ગંભીર આરોપો હતા, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેણે મોડેલ પર ઘરે હુમલો કર્યો હતો અને તેને બ્લેડ પણ મારી હતી. બ્લેકમેલિંગનો પણ ઉલ્લેખ હતો.
મૃતક મોડેલના પિતા લખવિંદર સિંહે આ પત્ર સુરતની સારોલી પોલીસને સોંપ્યો હતો. પોલીસ તપાસમાં ખબર પડી કે મોડેલ સુખપ્રીત કૌરે તેના લિવ-ઇન પાર્ટનર મહેન્દ્ર રાજપૂતના માનસિક અને શારીરિક ત્રાસ અને બ્લેકમેઇલિંગથી કંટાળીને આત્મહત્યા કરી હતી.
સુખપ્રીત કૌરના પિતાની ફરિયાદના આધારે સારોલી પોલીસે સુરતના ડિંડોલી વિસ્તારના રહેવાસી મહેન્દ્ર રાજપૂત વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કેસ નોંધ્યો હતો. પોલીસ જ્યારે મહેન્દ્રના ઘરે પહોંચી ત્યારે તે ઘરને તાળું મારીને ભાગી ગયો હતો.
ચાર મહિના પહેલા આત્મહત્યા કરનાર મોડેલ સુખપ્રીત કૌરે પત્રમાં લખ્યું હતું કે.....
હું સુખપ્રીત સંધુ છું. હું સુરતની એક મોટી મોડેલિંગ એજન્સીમાં મોડેલ તરીકે કામ કરતી હતી. જ્યાં 6 ઓગસ્ટના રોજ હું મહેન્દ્ર રાજપૂત નામના છોકરાને મળી હતી. અમે સારા મિત્રો બન્યા અને સાથે રહેવા લાગ્યા. લગભગ એક મહિના પછી તેણે મને હેરાન કરવાનું શરૂ કર્યું. હું તેના પર ગુસ્સે થઈ ગઈ અને તેને છોડી દીધો હતો, પણ તે મને બ્લેકમેલ કરતો રહ્યો કે તે મારા ખાનગી ફોટા ઇન્ટરનેટ પર અપલોડ કરશે. મહેન્દ્ર મને જાનથી મારી નાખવાની ધમકીઓ અને અપશબ્દો બોલીને બ્લેકમેલ કરતો હતો. આ બહાને તેણે મને તેના ફ્લેટમાં બોલાવી એક દિવસ માટે બાંધી રાખી અને મારા હાથ અને પગ પર બ્લેડ વડે હુમલો કર્યો હતો.
તેણે મારા પગ પર પાટો બાંધ્યો. હું ભાગી ગય અને ઘરે પાછી આવી. પછી તેણે મને ધમકી આપી કે જો હું આ વિશે કોઈને કહીશ તો તે મને મારી નાખશે. તે ઓનલાઈન ખાનગી ફોટા અપલોડ કરી દેશે. તેણે મને આત્મહત્યા કરવા માટે પણ ઉશ્કેરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/