રાજ્યમાં સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકાઓમાં વરસાદ, દ્વારકામાં સૌથી વધુ મેઘમહેર

10:43 PM Jun 30, 2025 | gujaratpost

(File Photo)

અમદાવાદઃ ગુજરાતમાં આજે સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દ્વારકામાં સૌથી વધુ 1.65 ઈંચ વરસાદ પડ્યો હતો. બાકીના તમામ તાલુકાઓમાં એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 2થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી.

30 જૂનના રોજ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 2થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય, બાકીના 7 દિવસ સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.