નવી દિલ્હી: ગયા અઠવાડિયે ભારત મંડપમ ખાતે યોજાયેલ 'AI ઇમ્પેક્ટ સમિટ'માં વિરોધ પ્રદર્શન કરવાના મામલે દિલ્હી પોલીસે મોડી રાત્રે ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ ચિબનીની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસે સોમવારે પૂછપરછ માટે બોલાવ્યાં બાદ ઉદય ભાનુ ચિબનીની ધરપકડ કરી હતી. આ અગાઉ સોમવારે જ અન્ય ત્રણ આરોપીઓ - જિતેન્દ્ર યાદવ, રાજા ગુર્જર અને અજય કુમારની ગ્વાલિયરથી ધરપકડ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનના દિવસે જ પોલીસે તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ચાર કાર્યકર્તાઓની ધરપકડ કરી લીધી હતી.
પોલીસ તપાસમાં વિરોધ પ્રદર્શન પાછળના એક મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. જે મુજબ પ્રદર્શનકારીઓએ ભારત મંડપમમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને QR કોડ મેળવ્યાં હતા. શરૂઆતમાં તેઓ કાળી છત્રીઓ પર સ્ટીકર લગાવીને લઈ જવાની યોજના ધરાવતા હતા, પરંતુ સુરક્ષાકર્મીઓની નજરમાં ન આવવા માટે તેમણે પ્લાન બદલ્યો હતો. કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શનના સૂત્રો લખેલી ટી-શર્ટ પોતાની શર્ટની નીચે પહેરી રાખી હતી. હોલ નંબર-5 ના લોબી વિસ્તારમાં પહોંચતા જ તેમણે શર્ટ ઉતારી નાખી સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.
કાર્યકર્તાઓએ પહેરેલી ટી-શર્ટ પર "PM is Compromised", "ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી" અને "એપ્સ્ટીન ફાઇલ્સ" જેવા લખાણો હતા. કેટલીક ટી-શર્ટ પર પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા હતા. પોલીસે 22 ફેબ્રુઆરીએ યુથ કોંગ્રેસના નેતા કૃષ્ણ હરિની કારમાંથી આ વાંધાજનક ટી-શર્ટ અને પોસ્ટરો જપ્ત કર્યા હતા.
સૂત્રોના જણાવ્યાં અનુસાર, પ્રદર્શનકારીઓએ ત્યાં ફરજ પર તૈનાત પોલીસ અધિકારીઓ સાથે ઝપાઝપી અને મારપીટ પણ કરી હતી. હાલમાં દિલ્હી પોલીસ આ વિરોધ પ્રદર્શન પાછળના આર્થિક વ્યવહારો અને મોટા કાવતરાના પાસાઓની તપાસ કરી રહી છે.