ACB એ વાપીમાં સપાટો બોલાવી દીધો...આસિ.પી.એફ. કમિશનર અને એન્ફોર્સમેન્ટ ઓફિસર રૂ. 5 લાખની લાંચમાં ઝડપાયા

07:27 PM Sep 09, 2024 | gujaratpost

વલસાડઃ એસીબીએ વાપીમાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે. વાપીના આસિ. પી.એફ. કમિશનર અને એન્ફોર્સમેન્ટ ઓફિસરને 5 લાખ રૂપિયાની લાંચમા કેસમાં ઝડપી લેવામાં આવ્યાં છે.

વાપી ખાતે ગંજન ચાર રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પલેક્ષમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવીને ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીને 5 લાખ રૂપિયાની લાંચના કેસમાં પકડ્યાં છે. કેન્દ્ર સરકારના બંને અધિકારી હર્ષદકુમાર પરમાર (વર્ગ 1) અને સુપ્રભાત રંજન તોમર (વર્ગ 2)ની લાંચ કેસમાં ધરપકડ કરાઇ છે.

દક્ષિણ ગુજરાતમાં ખાનગી કંસ્ટ્રકશન કંપની ચલાવતા બિલ્ડરે તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પી.એફ. કપાવવાની કાર્યવાહી કરી ન હતી. જેમાં પી.એફ. કચેરી ખાતેથી બિલ્ડરની કંપનીને નોટિસ મળી હતી. સમગ્ર મામલે વાપી પી.એફ. કચેરીમાં કેસ ચાલતો હતો. આ કેસનો   ઝડપી નિકાલ કરવા તેમજ બિલ્ડરને થનારા દંડની રકમ ઓછી કરવા હર્ષદ લખુજીભાઈ પરમાર અને સુપ્રભાત રંજન અવનેન્દ્રનાથસિંહ તોમરે ભેગા મળીને 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી.

બિલ્ડર લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમને ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી. એસીબીની ટીમે વાપી સ્નેહદીપ કોમ્પલેક્ષ ખાતે આવેલી આસિ. પીએફ કમિશનરની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવી હતી. આસિ. પીએફ કમિશનર હર્ષદ પરમારના કહેવાથી એન્ફોર્સમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન તોમરે રૂપિયા 5 લાખની લાંચ સ્વીકારી હતી. દરમિયાનમાં એસીબી ટીમે બંનેને રંગે હાથ ઝડપી લઇ લાંચની રકમ કબ્જે કરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526