વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ

06:33 PM Apr 11, 2026 | gujaratpost

  • ભાજપ માટે ડેમેજ કંટ્રોલનો સૌથી મોટો પડકાર
  • વડોદરામાં વોર્ડ નંબર 1 માં ભાજપે ઉમેદવાર બદલવા પડ્યાં

વડોદરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખે વડોદરામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. એક તરફ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા ઉમટી પડ્યાં હતા, બીજી તરફ વડોદરામાં કોંગ્રેસ ઉમેદવારના પતિની પોલીસે ધરપકડ કરતા અને ટેકનિકલ કારણોસર ટિકિટો બદલાતા અરાજકતા સર્જાઈ છે.

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 ના ઉમેદવાર પાર્વતીબેન સોલંકીના પતિ પ્રભુભાઈ સોલંકીની હરિયાણા પોલીસે ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો હતો. પ્રભુભાઈ જ્યારે ફોર્મ ભરવા ગયા હતા, ત્યારે જ પોલીસે તેમને ગાડીમાં બેસાડી દીધા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, ગુડગાંવ (હરિયાણા) પોલીસ દ્વારા નકલી ગોલ્ડ સ્મગલિંગ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ પાર્વતીબેને ક્રાઈમ બ્રાન્ચ ખાતે હોબાળો મચાવ્યો હતો અને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, મારા પતિ નિર્દોષ છે. જો તેમને છોડવામાં નહીં આવે તો હું અહીં જ આત્મહત્યા કરીશ અને જવાબદાર અધિકારીઓના નામ આપીશ.

Trending :

ભાજપની આંતરિક વહીવટી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતો કિસ્સો વોર્ડ નંબર 1 માં સામે આવ્યો છે. અહીં જાહેર કરાયેલા ઉમેદવાર રાગ મછારનું નામ જ મતદાર યાદીમાં ન હોવાનું સામે આવતા ભાજપની ફજેતી થઈ હતી. ભાજપે તાબડતોબ રાગ મછારના બદલે વોર્ડ 16 ના ભૂરસિંગભાઈ રાઠવાને મેદાનમાં ઉતાર્યા હતા. આ ઘટનાએ સાબિત કર્યું છે કે ભાજપ પોતાના ઉમેદવારના પાયાના દસ્તાવેજો ચકાસવામાં પણ ચૂક કરી ગયું છે.

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે આ વખતે નો-રિપીટ થીયરી પર ભાર મૂક્યો હોય તેમ જણાય છે. અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપીને 53 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. જો કે, આ આક્રમક ફેરફારોને કારણે પક્ષમાં આંતરિક વિરોધ પણ જોવા મળી રહ્યો છે.

ટિકિટ વહેંચણી બાદ ફાટી નીકળેલી નારાજગી અને આજના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ભાજપ માટે હવે અસંતુષ્ટોને મનાવવા અને ડેમેજ કંટ્રોલ કરવું એ સૌથી મોટો પડકાર બની રહેશે.