+

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ, ક્યાંક બિનહરીફ તો ક્યાંયક ઉમેદવારો બદલાયા

મેન્ડેટ આપવા છતાં અમદાવાદમાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ન ભર્યું નવસારી જિલ્લા પંચાયતની 3 બેઠકો બિનહરીફ અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દ

  • મેન્ડેટ આપવા છતાં અમદાવાદમાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ન ભર્યું
  • નવસારી જિલ્લા પંચાયતની 3 બેઠકો બિનહરીફ

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય ડ્રામા જોવા મળ્યો, બપોરે 3 વાગ્યાની સમયમર્યાદા પૂરી થાય ત્યા સુધીમાં રાજ્યભરમાં સવારથી જ ઢોલ-નગારા અને રેલીઓ સાથે ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.

ટિકિટ ફાળવણીને લઈને પક્ષોમાં ભારે મથામણ જોવા મળી હતી. ભાજપે છેલ્લી ઘડીએ પોતાના 4 ઉમેદવારો બદલવાની ફરજ પડી હતી. જેમાં અમદાવાદમાં બે, રાજકોટ અને વડોદરામાં એક-એક ઉમેદવાર બદલવામાં આવ્યાં છે.

કોંગ્રેસે અમદાવાદ કોર્પોરેશન માટે પોતાના ઉમેદવારોની જાહેરાત અંતિમ ક્ષણો સુધી ચાલુ રાખી હતી. ચૂંટણીના જંગની શરૂઆત પહેલા જ કેટલાક પરિણામો સ્પષ્ટ થતા દેખાયા હતા. ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થતા જ નવસારી જિલ્લા પંચાયતની 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જે સત્તાધારી પક્ષ કે વિપક્ષ માટે વ્યૂહાત્મક જીત સમાન છે.

અમદાવાદના વાસણા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારને મેન્ડેટ મળી ગયું હોવા છતાં તેમણે છેલ્લી ઘડી સુધી ફોર્મ ભર્યું ન હતું, જેનાથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. અમદાવાદમાં પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમ તીર્મીઝિએ પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ફોર્મ ભર્યા બાદ તેમણે પોતાની જ પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, અમારા ધારાસભ્યોએ જ મને ટિકિટ ન મળે તે માટે કાવતરું રચ્યું. જો મને 3 વાગ્યા સુધીમાં મેન્ડેટ નહીં મળે તો હું ચૂંટણી લડીશ નહીં, પરંતુ ત્યારબાદ હું ધારાસભ્યને છોડીશ નહીં. હું તેમની પાછળ પડી જઈશ.

હવે ફોર્મની ચકાસણી બાદ ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે, પરંતુ અંતિમ દિવસે જોવા મળેલો આ ગરમાવો આગામી દિવસોમાં મોટા રાજકીય સંગ્રામના સંકેત આપી રહ્યો છે. 

Trending :
facebook twitter