અમરેલીમાં સહાયની રાહ જોતાં ખેડૂતોનો આક્રોશ: બગડેલો પાક સળગાવ્યો

07:30 PM Nov 07, 2025 | gujaratpost

અમરેલી: રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેતીની સ્થિતિ અત્યંત કફોડી બની છે. પાક નુકસાનનો સર્વે રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાયા હોવા છતાં, હજુ સુધી સહાય પેકેજ જાહેર ન થતાં ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ આક્રોશના પગલે ધરતીપુત્રો પોતાના નિષ્ફળ ગયેલા પાકને સળગાવવા જેવું આકરૂં પગલું ભરવા મજબૂર બન્યાં છે.

અમરેલીના જાફરાબાદ તેમજ સાવરકુંડલા પંથકમાં ખેડૂતોએ મગફળીનો પાક સંપૂર્ણપણે બગડી જતાં તેના પાથરા સળગાવ્યાં હતા. જાફરાબાદ તાલુકામાં ખેડૂતોએ બગડેલી મગફળીના પાથરા સળગાવવા પડ્યાં હતા. ખેડૂતોની આર્થિક સ્થિતિ એટલી કથળી છે કે કેટલાક ખેડૂતોએ તો ડુંગળીના ખેતરોમાં પશુઓ છૂટા મૂકી દીધા છે.

કપાસ, મગફળી અને ડુંગળીના મુખ્ય પાકો બરબાદ થવાથી ખેડૂતો પાયમાલ થયા છે, સરકાર સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી રહ્યાં છે.  ખેડૂતે જણાવ્યું, મેં 16 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું અને દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જો કે, સંપૂર્ણ પાક નિષ્ફળ જતાં મેં પાથરા સળગાવ્યાં, પરંતુ તે પણ બરાબર સળગતા નથી. ઉલટાનું, હવે આ પાથરા કાઢવાનો ખર્ચ પણ મારે ભોગવવો પડશે. પશુઓ માટે ઘાસચારાની સમસ્યા છે અને સરકારની સહાયની રાહ જોવી પડી રહી છે.

ખેડૂતો દ્વારા પાક સળગાવવાના આ બનાવથી સ્પષ્ટ થાય છે કે તેઓ તાત્કાલિક આર્થિક સહાય પેકેજ જાહેર કરવાની અને પોતાના દેવા માફ કરવાની માંગ કરી રહ્યા છે.