આવતીકાલે આવેદનપત્ર આપવામાં આવશે
હાઈકોર્ટમાં જવાની પણ બલોચ સમાજની તૈયારી
જૂનાગઢઃ તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ધુરંધર વિવાદમાં સપડાઈ છે. ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા બોલાયેલા એક સંવાદને લઈને જૂનાગઢમાં વસતા બલોચ મકરાણી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. સમાજે સંજય દત્ત દ્વારા બોલવામાં આવેલા એક ચોક્કસ ડાયલોગ પર સખત વાંધો ઉઠાવ્યો છે અને તેને પોતાનું અપમાન ગણાવ્યું છે.
બલોચ સમાજની નારાજગીનું મુખ્ય કારણ હંમેશાં બોલતા હૂં બડે સાબ મગરમચ્છ પે ભરોસા કર સકતે હૈ મગર બલોચ પે નહી આ ડાયલોગ છે.
બલોચ મકરાણી સમાજના પ્રમુખ અને એડવોકેટ એજાજ મકરાણીનું કહેવું છે કે આ પ્રકારના અભદ્ર ડાયલોગ્સથી તેમની સામાજિક લાગણી દુભાઈ છે અને સમાજની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. તેમનું માનવું છે કે માત્ર પૈસાની કમાણી કરવા માટે ચોક્કસ જ્ઞાતિને નિશાન બનાવવામાં આવી છે.
બલોચ મકરાણી સમાજ દ્વારા આ મામલે જૂનાગઢના તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. અરજીમાં ફિલ્મનાં અભિનેતા (સંજય દત્ત), ડાયલોગ રાઇટર અને ડિરેક્ટર આદિત્ય ધર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ વિરોધના ભાગરૂપે સમાજના આગેવાનોએ આવતીકાલે જિલ્લાકક્ષાએ આવેદનપત્ર પાઠવવાનો નિર્ણય લીધો છે.
એજાજ મકરાણીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આગામી દસ દિવસની અંદર આ મામલે સંતોષકારક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો બલોચ મકરાણી સમાજ ન્યાય માટે ગુજરાત હાઇકોર્ટ નાં દ્વાર ખખડાવશે. તેમનું માનવું છે કે આવા અભદ્ર વર્તન કરનારા કલાકારો, દિગ્દર્શકો અને લેખકોને રોકવા જરૂરી છે, નહીં તો ભવિષ્યમાં અન્ય સમાજોની લાગણીઓ પણ દુભાશે અને સામાજિક તંગદિલી વધશે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ ધુરંધરના નિર્માતા જ્યોતિ દેશપાંડે, આદિત્ય ધર અને લોકેશ ધર છે. ફિલ્મમાં રણવીર સિંહ સાથે સંજય દત્ત, અક્ષય ખન્ના, આર માધવન, અર્જુન રામપાલ વગેરે કલાકારો મુખ્ય ભૂમિકાઓમાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/