મેન્ટલ હેલ્થને લઇને લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ, દેવ દેસાઇ, સેહર હાશ્મીએ શરૂ કરી બાઇક રેલી, દેશના અનેક શહેરોમાંથી પસાર થશે યાત્રા

05:25 PM Apr 21, 2025 | gujaratpost

અંદાજે 3000 કિ.મીટરના રૂટમાં થશે યાત્રા 

મનોચિકિત્સકો ડૉ. અમિત સેન, ડૉ. રાજીવ મહેતા, થેરાપિસ્ટ ખિલી મારવાહ દ્વારા યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી

અમદાવાદઃ આજના યુગમાં લાખો લોકો મેન્ટલ હેલ્થની બિમારી સાથે જીવી રહ્યાં છે અને તેમને આ સ્થિતીમાંથી બહાર લાવવા જરૂરી છે.સારું સ્વાસ્થ્ય એ દરેક વ્યક્તિની જરૂરિયાત છે, લોકોમાં મેન્ટલ હેલ્થને લઇને જાગૃતિ આવે તે જરૂરી છે. જે માટે બાઇક યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી. સામાજિક કાર્યકર્તા દેવ દેસાઇ અને સેહર હાશ્મી અને તેમની ટીમે આ યાત્રાની શરૂઆત કરી છે.

Trending :

20 એપ્રિલના રોજ, સેહર અને દેવ દેસાઈ રોયલ એનફિલ્ડ મોટરબાઈક પર દિલ્હીથી કુપવાડા અને પાછા ફરવાની યાત્રા પર નીકળ્યાં છે. દેવ દેસાઈ, એક જાણીતા સામાજિક કાર્યકર્તા છે અને તેમને ગ્રાસ રૂટ કાર્યકર્તા તરીકે આ ક્ષેત્રમાં કામ કરવાનો 15 વર્ષથી વધુનો અનુભવ છે. કોવિડ દરમિયાન માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે તેમનો સંબંધ વધુ ગાઢ બન્યો. જ્યારે તેમણે 90 થી વધુ મનોચિકિત્સકો, કાઉન્સેલરો, થેરાપિસ્ટનો સંપર્ક કર્યો અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા યુવાનો માટે મફત ઓનલાઈન કાઉન્સેલિંગ સેવાઓ ટોક ઈટ આઉટનું આયોજન કરવામાં મદદ કરી હતી.

ભારતમાં માનસિક સ્વાસ્થ્યને લઇને સ્થિતિ

દેશમાં લાખો લોકો ગંભીર માનસિક સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યાં છે. એક સંશોધન મુજબ, 15% ભારતીય પુખ્ત વયના લોકોને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ છે જેની સારવારની જરૂર છે, છતાં તેમાંથી 70 થી 92 ટકા લોકો સારવાર મેળવતા નથી, જેના કારણે લાખો લોકો ઉપચારની પહોંચથી વંચિત રહે છે. ભારતમાં,11 કરોડથી વધુ વ્યક્તિઓ હજુ પણ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાય છે, તેમાંથી 80 % લોકો સારવાર લેતા નથી, દર વર્ષે 1 લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે અને ઘણા લોકો આત્મહત્યાના પ્રયાસો કરે છે, જેની સામે જાગૃતિ આવે તે જરૂરી છે.

યાત્રાના આ છે ઉદ્દેશ

- માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવી
- યુવાનોને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો વ્યાવસાયિક મદદ લેવા માટે પ્રોત્સાહિત કરવા
- માનસિક બીમારીથી પ્રભાવિત લોકો માટે સહાયક વાતાવરણ ઉભું કરવું

આ ઝુંબેશની કલ્પના સેહર હાશ્મી દ્વારા કરવામાં આવી હતી, તેમાં જાણીતા સામાજિક કાર્યકર દેવ દેસાઈ, સ્વ-શિક્ષિત ગાયિકા નાઝનીન શેખ, ફિલ્મ નિર્માતા સમન્યુ શુક્લા અને ડ્રાઇવર મેહરાજ ઉ દિન જોડાયા છે.

સેહર હાશ્મીની યાત્રા

સેહર હાશ્મી એક પ્રેરક વક્તા અને ફેશન સ્ટાઈલિસ્ટ છે. સેહર હાશ્મીની માનસિક સ્વાસ્થ્ય સાથેની સફર કિશોરાવસ્થામાં શરૂ થઈ હતી, જ્યારે તેમણે ક્લિનિકલ ડિપ્રેશન અને બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર હોવાનું નિદાન થયું હતું. તેના પહેલા મનોચિકિત્સકના મતે, બાળપણના આઘાત, જ્યારે તેમના માતાપિતા દ્વારા 9 મહિનાની ઉંમરે અનાથાશ્રમમાં છોડી દેવામાં આવ્યાં હતા, તેના અચેતન મન પર ઊંડા ઘા છોડી ગયા હતા. માનસિક બીમારીઓનું એક કારણ બાળપણમાં થતા આઘાત લાગ્યો હતો.

એક દાયકાથી વધુ સમય સુધી, તેમણે મનોચિકિત્સકો, પરિવાર અને મિત્રો દ્વારા ટેકો મેળવીને પોતાનું જીવન પાછું મેળવવા માટે લડત આપી. ભારતમાં ઘણા લોકો માનસિક બીમારીની આસપાસના કલંકને કારણે વ્યાવસાયિક મદદ મેળવી શકતા નથી, તેઓ મૌનથી પીડાય છે. આ વાર્તા બદલવા માટે દ્રઢ નિશ્ચયી જરૂરી છે, સેહરે શક્તિશાળી વીડિઓઝ અને વર્કશોપ દ્વારા પોતાની વાર્તા શેર કરવાનું શરૂ કર્યું. તેમના પ્રયત્નોએ પહેલાથી જ નોંધપાત્ર અસર કરી છે. સેહરે કોલેજો, શાળાઓ, ગામડાઓ, NGO માં વર્કશોપનું આયોજન કર્યું છે અને મુશ્કેલીના સમયે ઘણા માનસિક સ્વાસ્થ્ય દર્દીઓને મદદ પણ કરી છે.

ટીમના અન્ય ત્રણ સભ્યો- નાઝનીન શેખ, સમન્યુ શુક્લા- ફિલ્મ નિર્માતા અને મેહરાજયુ દિન, જે બીએસસી મેડિકલ ગ્રેજ્યુએટ છે- એક કારમાં મુસાફરી કરશે. તેઓ 21 શહેરો અને ગામોને આવરી લેશે- અનંતનાગ, બારામુલ્લા, ચંદીગઢ, દિલ્હી, હંદવાડા, હોશૈરપુર, જલંધર, જમ્મુ, કાંગડા, ખુમરિયાલ, કુપવાડા, લુધિયાણા, મુકેરિયન, નરવાના, રામબન, રોહતક, સોગમ, સોપોર, શ્રીનગર, પટ્ટન, વાવોરા.

ઝુંબેશ દરમિયાન, તેઓ માનસિક સ્વાસ્થ્ય પર સત્રો કરશે, શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ અને યુવાનો, ગામડાઓમાં સ્ત્રીઓ- પુરુષો સાથે માનસિક સ્વાસ્થ્ય સુવિધાઓ અંગે વાતચીત કરશે. જેથી માનસિક બીમારીની આસપાસના કલંક સામે લડી શકાય અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોને વ્યાવસાયિક મદદ મેળવવા માટે પ્રોત્સાહિત કરી શકાય.

આ ઝુંબેશને નવી દિલ્હીથી સેહેરના મનોચિકિત્સકો ડૉ.અમિત સેન, ડૉ. રાજીવ મહેતા, તેમના ચિકિત્સક ખિલી મારવાહાએ, પ્રોફેસર મૃદુલા મુખર્જી, પ્રોફેસર આદિત્ય મુખર્જી, પ્રોફેસર અપૂર્વાનંદ સહિતના લોકોએ લીલી ઝંડી આપી હતી. ટીમને આ મહત્વપૂર્ણ યાત્રા અને ઝુંબેશ માટે શુભેચ્છાઓ આપવા માટે 100 થી વધુ શુભેચ્છકો, મિત્રો, પરિવારના સભ્યો એકઠા થયા હતા.

ટીમનું મિશન

માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી બચી ગયેલા વ્યક્તિ તરીકે, સેહર લોકોને કલંક સામે લડવા માટે પ્રેરિત કરે છે. દેવ દેસાઈ આ મુદ્દા પર કામ કરતા સ્થાનિક વ્યાવસાયિકો અને જૂથો સાથે નેટવર્કિંગ કરશે. નાઝનીન શેખ કાર્યક્રમમાં ગાવા માટે પોતાની સંગીત કુશળતાનો ઉપયોગ કરશે. માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવામાં સંગીતની શક્તિ વિશે વાત કરશે. સમન્યુ આ ઝુંબેશનું દસ્તાવેજીકરણ કરી રહ્યાં છે, આ ઝુંબેશ પર એક ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ મૂકે છે. આ ટીમ માનસિક સ્વાસ્થ્ય અને તેના વિવિધ પાસાઓ વિશે ફોલ્ડરના રૂપમાં લેખિત સામગ્રી પણ પૂરી પાડશે, તેમજ જરૂરિયાતમંદ લોકો દ્વારા ઍક્સેસ કરી શકાય તેવી હેલ્પલાઇન્સની સૂચિ પણ પ્રદાન કરશે.