દ્વારકા: સ્કૂલ સંચાલકે સીરિયન યુવકને ઘરમાં રાખ્યો, બે વર્ષ બાદ થઇ કાર્યવાહી

07:26 PM Nov 18, 2025 | gujaratpost

વિઝા પૂર્ણ થયા છતાં બે વર્ષથી ગેરકાયદેસર વસવાટ

સ્કૂલ સંચાલક સાથે ટિન્ડર એપથી સંપર્ક

દ્વારકા: જિલ્લાના ખંભાળિયા શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા એક સીરિયન નાગરિકની ધરપકડ કરાઇ છે. પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી છે તેની ઓળખ અલી કામેલ મહેબોબ તરીકે થઈ છે, જે મૂળ સીરિયાનો રહેવાસી છે. તેની સાથે જ તેને આશ્રય આપનાર પ્રેસિડેન્ટ સ્કૂલના સંચાલક માહી કંઝારીયાની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અલી કામેલ મહેબોબ 2019માં સ્ટુડન્ટ વિઝા પર ભારત આવ્યો હતો. જો કે, તેના વિઝા બે વર્ષ પહેલા એટલે કે 2023માં પૂર્ણ થઈ ગયો હોવા છતાં તે દેશ છોડીને ગયો ન હતો અને ગેરકાયદેસર રીતે ગુજરાતમાં વસવાટ કરી રહ્યો હતો. સીરિયન નાગરિકને સ્થાનિક સ્તરે રહેવાસ અને મદદ કરવામાં ખંભાળિયા નજીકના ધરમપુર વિસ્તારમાં આવેલી પ્રેસિડેન્ટ સ્કૂલના સંચાલક માહી ઉર્ફે મહિપત કંઝારીયાનો મોટો સહકાર હતો.

દ્વારકા જિલ્લાના એસ.પી. જયરાજસિંહ વાળાએ આ મામલે વિગતો આપતા જણાવ્યું કે, અલી અને માહી વચ્ચેની ઓળખ ટીન્ડર એપ દ્વારા થઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આ બંને વચ્ચે મિત્રતા હોવાથી માહીએ તેને આશ્રય આપ્યો હતો. અભ્યાસ પૂર્ણ થયા બાદ વિઝા રિન્યૂ ન થતાં અલીને બીજું કોઈ આશ્રય સ્થાન ન હતું, તેથી તે છેલ્લા બે વર્ષથી ખંભાળિયાની સ્કૂલમાં સંચાલકની મદદથી છુપાઈને રહેતો હતો.

અધિકારીઓએ આ મામલાની ગંભીરતાને જોતા જણાવ્યું છે કે, વિદેશી નાગરિકનો ગેરકાયદેસર વસવાટ સીધી રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ બાબત છે. જેથી બંને આરોપીઓ વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. કેસની વધુ તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપવામાં આવી છે. SOG ટીમ હવે અલી કામેલ ભારતમાં આવ્યો ત્યારથી અત્યાર સુધીની તેની તમામ ગતિવિધિઓ, સંપર્કો, સંભવિત નેટવર્ક, બેંક એકાઉન્ટ અને ડિજિટલ ડેટાની ઊંડાણપૂર્વક ફોરેન્સિક તપાસ હાથ ધરશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++