સુરતમાં રૂ. 8 કરોડની લૂંટની વાત ષડયંત્ર નીકળી, દેવું થઇ જતા કંપનીના કર્મચારીએ કર્યું કારસ્તાન

12:30 PM Mar 10, 2024 | gujaratpost

સુરતઃ કતારગામ વિસ્તારમાં ઈન્કમટેક્સ ઓફિસરની ઓખળ આપીને રૂપિયા 8 કરોડની લૂંટ કરાઇ હોવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં રૂપિયા 8 કરોડની કોઈ લૂંટ થઈ ન હોવાનું બહાર આવ્યું છે. 27 ફેબ્રુઆરી, 2024 ના રોજ તબીબી ઉપકરણો બનાવતી કંપની સહજાનંદ ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડના કર્મચારીએ જ લૂંટનું આ કાવતરું ઘડ્યું હતું.

કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 27 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યે ઇકો કારને અટકાવવામાં આવી હતી, તેમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોને બંદૂકની અણીએ લૂંટી લેવામાં આવ્યાં હોવાની વાત હતી. કારમાં મુસાફરી કરી રહેલા કર્મચારીઓને અલગ-અલગ જગ્યાએ છોડીને તેમાં રાખેલી રૂપિયા 8 કરોડની બેગ લૂંટી લેવામાં આવી હોવાનું નાટક રચાયું હતુ.આ ઘટનાને અંજામ આપનાર, સીસીટીવીમાં દેખાતા શખ્સે પોતાની ઓળખ ઈન્કમટેક્સ ઓફિસર તરીકે આપી હતી.

કતારગામ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ

સહજાનંદ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ કંપનીના કેશિયર નરેન્દ્ર દુધાતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સહજાનંદ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં છેલ્લા પાંચ વર્ષથી કેશિયર તરીકે નોકરી કરતા નરેન્દ્ર દુધાતે પોલીસને જણાવ્યું હતું કે કંપનીના અન્ય કર્મચારીઓ સાથે સેફ ડિપોઝીટમાંથી પૈસા ઉપાડ્યાં હતા અને આ રકમ મહિધરપુરા વિસ્તાર ખાતે આવેલ અન્ય સેફ ડીપોઝીટમાં જમા કરાવવા જતા હતા. ત્યારે તેમને કારમાંથી નીચે ઉતારીને લૂંટ ચલાવાઇ હતી.

બંદૂકની અણીએ રૂ. 8 કરોડની લૂંટની વાર્તા 

એક વ્યક્તિ ઈન્કમટેક્સ ઓફિસર તરીકે આવ્યો અને બંદૂકની અણીએ 8 કરોડ રૂપિયાની લૂંટ કરીને ભાગી ગયો. સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી અને લૂંટના સ્થળેથી ઈન્કમટેક્સ અધિકારીનો ઢોંગ કરીને લૂંટને અંજામ આપનાર આરોપીની શોધમાં  બાતમીદારોનો સહારો લીધો હતો. જો કે, પોલીસને લૂંટ અંગે કોઈ પુરાવા મળ્યાં ન હતા.

તપાસમાં ફરિયાદી લૂંટનો મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું

ઘણી જહેમત બાદ આખરે પોલીસ ઈન્કમટેક્સ ઓફિસર હોવાનું જણાવીને લૂંટ કરનાર આરોપી સુધી પહોંચી ગઇ. ક્રાઈમ બ્રાંચે ઈન્કમટેક્સ ઓફિસર હોવાનો દાવો કરનારા રોહિત બિનુભાઈ ઠુમ્મરની પૂછપરછ શરૂ કરતાં રૂ.8 કરોડની લૂંટના ફરિયાદી કંપનીનો કેશિયર નરેન્દ્ર દુધાત મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું. લૂંટની આ નકલી સ્ટોરીનો પર્દાફાશ થઇ ગયો.

પોલીસ કમિશનર બવાંગ જામીરે જણાવ્યું કે 27 ફેબ્રુઆરીએ સુરતના કતારગામમાં બનેલી લૂંટની ખોટી વાર્તા કંપનીના કર્મચારીએ પોતે અને નરેન્દ્ર દુધાતે બનાવી હતી, જેમણે આ અંગે ફરિયાદ કરી હતી. તેણે જ લૂંટનું આયોજન કર્યું હતું. નરેન્દ્ર દુધાત 2018થી કંપનીના નાણાં ઉપાડી શેરબજારમાં ફેરવતો હતો. જેમાં તેમને 5 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

નુકસાનની ભરપાઈ કરવા તેણે મિત્ર કલ્પેશ સાથે મળીને નકલી લૂંટનો પ્લાન બનાવ્યો હતો, જેમાં તેણે તેના બીજા મિત્ર રોહિત ઠુમ્મરને પણ સાથે લીધો હતો. તેઓ ઈકો કારમાં કતારગામ વિસ્તારમાંથી નીકળ્યાં ત્યારે કારમાં રાખેલી થેલીમાં પૈસા ન હતા પરંતુ કાગળો હતા.

રોહિત ઠુમ્મરે ઈન્કમટેક્સ ઓફિસર હોવાનો દમ મારીને નરેન્દ્ર દુધાત અને અન્ય કર્મચારીઓને કારમાં અલગ-અલગ જગ્યાએ છોડી દીધા હતા. રોહિત ઠુમ્મર કાર લઈને ફરાર થઇ ગયો હતો. કંપનીના કર્મચારી નરેન્દ્ર દુધાતે પ્લાન મુજબ કામ કર્યું હતુ. બેગમાં પૈસાને બદલે કાગળો ભરેલા હતા અને 8 કરોડની લૂંટ થઈ હોવાનું પોલીસને જણાવવામાં આવ્યું હતું. જો કે હવે આ ષડયંત્રનો પર્દાફાશ થઇ ગયો છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post