સુરતઃ પુણા પર્વત પાટિયા વિસ્તારમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારા વળાંકો આવી રહ્યાં છે. મુખ્ય આરોપી ઈશા અનઘણની ધરપકડ બાદ હવે આ કેસના તાર વિદેશ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
પોલીસને ઈશાના મોબાઈલની તપાસ દરમિયાન લંડનમાં રહેતા જનક જાગાણી સાથેની વોટ્સએપ ચેટ મળી આવી છે. આ ચેટમાં ડ્રગ્સના નેટવર્ક, લેવડ-દેવડ અને કોડવર્ડનો ઉપયોગ થયો હોવાની આશંકા છે. ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કેમિકલ પૂરૂ પાડનાર મુખ્ય કડી બ્રિજેશ ભાલોડીયા (ઉર્ફે જીતુ) હાલ ફરાર છે. પોલીસની અલગ-અલગ ટીમો તેને પકડવા માટે દરોડા પાડી રહી છે.
ઈશાનો મોબાઈલ ફોન કબ્જે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. તેના ડેટા રિકવર થયા બાદ આ રેકેટમાં સામેલ અન્ય મોટા માથાઓના નામ બહાર આવી શકે છે.
સુરત પોલીસ આ આંતરરાષ્ટ્રીય લિંકની ગંભીરતાથી તપાસ કરી રહી છે. વોટ્સએપ ચેટના વિશ્લેષણ બાદ જરૂર પડશે તો પોલીસ ઈશા અનઘણના ફરીથી રિમાન્ડ મેળવી પૂછપરછ કરશે. પોલીસ એ પણ શોધી રહી છે કે આ ડ્રગ્સ સુરતમાં કયા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું અને સ્થાનિક સ્તરે તેને કોણ મદદ કરી રહ્યું હતું.