ચાય પાર્ટનર કેફેમાં આત્મહત્યા....લગ્નના બે મહિના પહેલાં ફિઝિયોથેરાપી ડોક્ટરે 9મા માળેથી મોતની છલાંગ લગાવી

10:37 AM Nov 22, 2025 | gujaratpost

મંગેતર સાથે જતી હતી તે જ ચાય પાર્ટનર કાફેમાંથી કૂદીને જીવન ટૂંકાવ્યું

આપઘાત પાછળનું કારણ અકબંધ, પોલીસે શરૂ કરી તપાસ 

સુરત: સરથાણા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જ્યાં લગ્નના માત્ર બે મહિના પહેલાં જ એક મહિલા ફિઝિયોથેરાપી ડોક્ટરે શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી.  મૃતક ડોક્ટરની ઓળખ રાધિકા જમનભાઈ કોટડીયા (ઉં.વ. 28) તરીકે થઈ હતી, જેઓ મૂળ જામનગર જિલ્લાના મોટી ભેગડી ગામના વતની હતા અને હાલ સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા હતા.

રાધિકા સરથાણા જકાતનાકા પાસે આવેલા વિકાસ શોપર્સમાં શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી. મળતી માહિતી મુજબ, છ મહિના પહેલાં જ તેની સગાઈ થઈ હતી અને આગામી 19 ફેબ્રુઆરી 2026ના રોજ તેમના લગ્ન થવાના હતા. રાધિકા તેના મંગેતર સાથે સરથાણા બિઝનેસ હબના 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાં અવારનવાર જતી હતી.

શુક્રવારે સાંજે 7:15 વાગ્યે તે આ જ કાફેમાં ગઈ હતી. જ્યારે અન્ય કપલો હળવાશની પળો માણી રહ્યાં હતા, ત્યારે રાધિકા અચાનક ખુરશી પરથી ઊભી થઈ અને પાળી પર ચઢીને નીચે ઝંપલાવી દીધું હતું. નીચે પટકાતાં માથાના ભાગે અને શરીર પર ગંભીર ઈજાઓ થવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ થતાં જ પોલીસ પીઆઇ કે. એ. ચાવડા સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલમાં આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં મંગેતર સાથેના અણબનાવોના કારણે રાધિકાએ આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

રાધિકાના પિતા હીરાના કારખાનામાં રત્નકલાકાર છે. બે મહિના બાદ જે દીકરીના લગ્નની તૈયારીઓ હતી, તેનું આ રીતે અકાળે મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.