ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં શાળાની છત થઈ ધરાશાયી, 7 બાળકોનાં મોત

09:09 AM Jul 26, 2025 | gujaratpost

જયપુરઃ ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના ઝાલાવાડમાં શાળાના બાળકો સાથે એક મોટી દુર્ઘટના બની છે. આ વિસ્તારમાં શાળાની છત તૂટી  પડવાના સમાચાર સામે આવ્યાં છે, જેમાં ઘણા બાળકો દટાયા હોવાની આશંકા છે. ઝાલાવાડ જિલ્લાના મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોદીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક તૂટી પડી હતી. જેના કારણે વર્ગમાં હાજર વિદ્યાર્થીઓ તેની નીચે દટાયા છે.

મળતી માહિતી મુજબ, વર્ગખંડમાં લગભગ 60 બાળકો હાજર હતા, જેમાંથી 20 બાળકો દટાયા હોવાની આશંકા છે. 7 બાળકોના મોત નિપજ્યાં છે. જોકે, હજુ સુધી મોતની સત્તાવાર માહિતી સામે આવી નથી. ઘટનાની ગંભીરતા જોતા આંકડો હજુ વધી શકે છે.

શાળાની છત ધરાશાયી થવાની ઘટના બાદ, સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યાં હતા. ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોએ કાટમાળ નીચે દટાયેલા બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. છત ધરાશાયી થયા પછીના કાટમાળને જોતા એવું લાગે છે કે શાળા ખંડેરમાં ફેરવાઈ ગઈ છે.

પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ મામલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ઝાલાવાડમાં સરકારી શાળાની ઇમારત ધરાશાયી થવાથી ઘણા બાળકો અને શિક્ષકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલો છે. હું ઇજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવા માટે ભગવાનને પ્રાર્થના કરું છું.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++