એક બાજુ અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મ અને બીજી બાજુ આંધ્રથી આવેલું લાલ ચંદન ગુજરાતમાંથી ઝડપાયું
પુષ્પા-2 માં પણ ચંદન ચોરીનો ખેલ, પાટણમાંથી પણ ઝડપાયું લાલ ચંદન
પાટણઃ ઉત્તર ગુજરાતના પાટણમાં લાલ ચંદનની તસ્કરીનો પર્દાફાશ થયો છે. આંધ્રપ્રદેશથી ચોરાયેલા આશરે રૂપિયા 4 કરોડની કિંમતના લાલ ચંદનનો જથ્થો પાટણથી પકડાયો છે. ગેરકાયદેસર રીતે રક્તચંદનનો આ જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડાયો હતો. આંધ્રપ્રદેશની પોલીસ બાતમીને આધારે પાટણ પહોંચી હતી. પાટણ પોલીસને સાથે રાખીને હાજીપુરના એક ગોડાઉનમાંથી રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યાં હતા.
કરોડો રૂપિયાના રક્ત ચંદનની ચોરીના બનાવમાં આંધ્રપ્રદેશ પોલીસ તપાસ કરી રહી હતી. પકડાયેલા આરોપીઓએ પાટણ સુધી ચોરીના ચંદનનું વેચાણ કર્યુ હોવાનું કબૂલ્યું હતું. જેથી આંધ્રપ્રદેશની પોલીસની ટુકડી પાટણ પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી હાજીપુરના ગોડાઉનમાંથી ચંદનના લાકડાં કબ્જે કર્યા હતા.
આ પહેલાં પણ ગુજરાતમાં ચંદન ચોરીની ઘટના સામે આવી હતી. સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલા ગાંધીબાગમાંથી 2021માં બે ચંદનના વૃક્ષો ચોરાયા હતા. 2022માં કચ્છના મન્દ્રા પોર્ટ પરથી રક્ત ચંદનનો જથ્થો ઝડપાયો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++