સિંધુ નદીમાં આપણું પાણી વહેશે અથવા તો ભારતીયોનું લોહી: બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ ઓકયું ઝેર - Gujarat Post

08:25 PM Apr 28, 2025 | gujaratpost

નવી દિલ્હી : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાક વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. જેમાં પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા અને તેમના દેશનિકાલના આદેશો જ નહીં, પરંતુ સિંધુ જળ સંધિને  સ્થગિત કરવાના પગલાં પણ શામેલ છે. ભારત વિશ્વ બેંક સાથે આ સંધિની નવેસરથી સમીક્ષા કરી રહ્યું છે. દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આક્રમક અને ઉશ્કેરણીજનક નિવેદનો આપીને પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે. 

બિલાવલ ભુટ્ટોએ જાહેર સભાને સંબોધિત કરતી વખતે સિંધુ જળ સંધિ અંગે ભારતને સીધી જ ધમકી આપી હતી. તેમણે કહ્યું, હું સિંધુ નદીના કિનારે ઊભા રહીને ભારતને કહેવા માંગુ છું કે સિંધુ અમારી  છે અને તે અમારી જ રહેશે. આ નદીમાં કાં તો આપણું પાણી વહેશે અથવા તેમનું લોહી વહેશે. આ નિવેદનને ભારત વિરુદ્ધ હિંસા માટે ખુલ્લી ઉશ્કેરણી તરીકે જોવામાં આવી રહ્યું છે. ખાસ કરીને એવા સમયે જ્યારે પહેલગામ હુમલાના પગલે સમગ્ર દેશમાં શોક અને આક્રોશનો માહોલ છે. 

પાકિસ્તાની નેતા ભુટ્ટોએ દાવો કર્યો હતો કે ભારતે આપણી પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે ભારતની વસ્તી આપણા કરતા મોટી હોઈ શકે છે, પરંતુ પાકિસ્તાનના લોકો બહાદુર છે. અમે સરહદો પર અને પાકિસ્તાનની અંદર પણ લડીશું. આપણો અવાજ ભારતને યોગ્ય જવાબ આપશે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આતંકવાદની નિંદા કરવાને બદલે, પાકિસ્તાનનું રાજકીય નેતૃત્વ આક્રમક રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. જેના કારણે રાજદ્વારી વાટાઘાટોની શક્યતાઓ વધુ ઘટી રહી છે.