ગુજરાતમાં બે દિવસ વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ, લોપ્રેશર ફેરવાશે ડિપ્રેશનમાં- Gujarat Post

10:28 AM May 22, 2025 | gujaratpost

અમદાવાદઃ આ વર્ષે દેશમાં ચોમાસાનું વહેલું આગમન થશે. જેના ભાગરૂપે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે અને રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડ્યો છે. ગુજરાત નજીક અરબસાગરમાં સર્જાયેલું લોપ્રેશર આગામી એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે. જેના પગલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 થી 25 તારીખ દરમિયાન વિવિધ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના પૂર્વ મધ્ય અરબ સાગરમાં સાયક્લોનિક સર્કયુલેશન સર્જાયું છે. જે લો પ્રેસર બનવાની અને તેના પછીના 12 કલાકમાં ડિપ્રેશનમાં ફરે તેવું પૂર્વાનુમાન છે. જેના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં બે દિવસ છૂટોછવાયો સામાન્ય વરસાદ રહેશે ત્યારબાદ વરસાદનું જોર વધવાની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણઁદ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.

23 મેના રોજ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, જૂનાગઢ, ગીર, સોમનાથ, ભરૂચ, સુરત, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 24 મે ના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ તથા પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.