અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ વચ્ચે તાલમેલના અભાવે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલી ખારીકટ કેનાલનું કામ વિવાદમાં સપડાયું છે. દસક્રોઈના ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલે ખારીકટ કેનાલમાં ગોકળગતિએ ચાલી રહેલી કામગીરીની પોલ ખોલી હતી.
તેમણે કહ્યું કે, જે કામ બે વર્ષમાં પૂરું કરવાનું હતું, તેને ચાર વર્ષ થવા આવ્યાં છતાં હજુ કામ બાકી છે. કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનની ધીમી ગતિને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યાં છે. અત્યારે રવિ પાકની સીઝન હોવાથી ખેડૂતોને ખેતી માટે પાણીની ખાસ જરૂર છે. બીજી તરફ, કેનાલનું કામ ચાલુ હોવાથી ત્યાં પાણી છોડવું મુશ્કેલ છે.
ધારાસભ્ય બાબુ જમના પટેલે ખેડૂતોના પક્ષમાં ઉભા રહીને કહ્યું કે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો (પાક) છીનવાય જાય, તે હું જોઈ શકું નહીં, એટલે જ મેં ઉચ્ચ સ્તરે વાત કરીને પાણી છોડાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની ભૂલને કારણે કામમાં મોડું થયું છે, તો તેનો ભોગ ખેડૂતો કેમ બને ?
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કમિશનર સાથે વાત થઈ ? ત્યારે તેમણે રોકડું પરખાવ્યું કે, મારે કમિશનરને પૂછવાની જરૂર નથી, મારે જ્યાં વાત કરવાની હતી ત્યાં કરી દીધી છે.
તંત્રની સુસ્તી સામે ધારાસભ્યએ આક્રમક વલણ અપનાવીને ખેડૂતો માટે કેનાલમાં પાણી છોડાવ્યું છે, ભલે તેનાથી કેનાલનું બાંધકામ અત્યારે અટકાવી દેવું પડ્યું હોય. આમ ભાજપના વધુ એક ધારાસભ્યએ પોતાની જ સરકારની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે.