અમદાવાદના વાડજમાં રિવર્સ આવતા પાણીના ટેન્કરે 7 વર્ષની માસૂમ બાળકીને કચડી

05:26 PM Mar 21, 2026 | gujaratpost

  • અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો  વણથંભ્યો છે
  • ગઈકાલે અમદાવાદમાં BRTS ટ્રેકમાં ઘુસેલા મોપેડ ચાલકને બસે 60 ફૂટ ઢસડતાં થયું હતું મોત

અમદાવાદ: શહેરના જૂના વાડજ વિસ્તારમાં આજે એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે રિવર્સમાં આવી રહેલા પાણીના ટેન્કરે રમી રહેલી 7 વર્ષની બાળકીનો ભોગ લીધો છે. ટેન્કરનું ટાયર માથા પર ફરી વળતા બાળકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

જૂના વાડજ વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા સંજયભાઈ સોલંકીને બે દીકરીઓ છે (એક 7 વર્ષની અને બીજી 6 વર્ષની). સવારના સમયે બંને દીકરીઓ જૂના વાડજ BRTS બસ સ્ટેશન પાસે જાહેર રોડ પર રમી રહી હતી.

આ દરમિયાન એક પાણીના ટેન્કરનો ચાલક પોતાનું વાહન અત્યંત બેદરકારીપૂર્વક અને ફૂલ ઝડપે રિવર્સ લઈ રહ્યો હતો. રિવર્સમાં આવતા આ ટેન્કરે રમતી બંને બાળકીઓને અડફેટે લીધી હતી. જેમાં 7 વર્ષની મોટી દીકરીના માથા પરથી ટેન્કરનું તોતિંગ પૈડું ફરી વળતા તેનું માથું છુંદાઈ ગયું હતું અને ગંભીર ઈજાઓને કારણે તેણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.

અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતા જ બી-ડિવિઝન ટ્રાફિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માસૂમ બાળકીના અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.