ખ્યાતિકાંડ કેસ, બોરીસણા ગામના દર્દીનું સારવાર દરમિયાન મોત થઇ ગયું

09:24 PM Jan 24, 2025 | gujaratpost

અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસમાં બોરીસણા ગામના વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. 72 વર્ષીય પ્રૌઢનું અઢી મહિના બાદ મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતકની ખ્યાતિ હૉસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે બાદ તેમને ઘરે મોકલી દેવામાં આવ્યાં હતા. પરંતુ પાંચ દિવસ પહેલા તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં તેમનું મોત થયું છે.

ગત વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હૉસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યાં વગર જ ન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યાં બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની થોડા દિવસ પહેલા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જે બાદ કોર્ટે તેના 10 દિવસની રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે, જેમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. કાર્તિક પટેલ વિદેશમાં હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++