અમદાવાદ: શહેરમાં સુભાષબ્રિજને તોડી પાડવાના નિર્ણય બાદ હવે વટવા વિસ્તારમાં ખારીકટ કેનાલ પર આવેલો વર્ષો જૂનો મચ્છુનગર બ્રિજ પણ તોડીને નવો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જર્જરિત હાલતમાં રહેલા આ બ્રિજનું નવનિર્માણ કાર્ય શરૂ થવાનું હોવાથી આવતીકાલથી આગામી 6 મહિના સુધી આ માર્ગ વાહનચાલકો માટે સંપૂર્ણપણે બંધ રહેશે.
ગમે ત્યારે અકસ્માતનો હતો ભય ખારીકટ કેનાલ પરનો આ 23મીટર લાંબો બ્રિજ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી મુસાફરોના માથે અકસ્માતનું જોખમ તોળાતું હતું. આ બાબતને ગંભીરતાથી લઈ GIDC દ્વારા બ્રિજના પુનઃનિર્માણની કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરીને પગલે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને 1 જાન્યુઆરીથી 30 જૂન 2026 સુધી તમામ નાના-મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
વૈકલ્પિક રૂટની વ્યવસ્થા બ્રિજ બંધ રહેવાના સમયગાળા દરમિયાન રામોલ ચાર રસ્તાથી અંબિકા ત્રણ રસ્તા (ત્રિકમપુરા પાટીયા) સુધીનો અંદાજે ૨૦૦ મીટરનો રોડ બંધ રહેશે. વાહનચાલકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. જે મુજબ GIDC થી બહાર જતા વાહનોએ મચ્છુનગર અંદરના ભાગથી આવતા વાહનોએ રામોલ પોલીસ ચોકી થઈ હાથીજણ લાલગેબી સર્કલ તરફ જઈ ત્યાંથી ત્રિકમપુરા તરફના મુખ્ય માર્ગો પર જવાનું રહેશે. જ્યારે બહારથી GIDCમાં આવવા માંગતા વાહનચાલકોએ ત્રિકમપુરા ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને અંદરના માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.
જાહેરનામાનો ભંગ કરનાર વાહનચાલકો સામે પોલીસ દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.નવા વર્ષની શરૂઆતથી જ વટવા પંથકના વાહનચાલકોએ મુસાફરી માટે વધારાનો સમય ફાળવવો પડશે.