મહેસાણાઃ જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે એક ખૂબ જ દુઃખદ ઘટના બની હતી. ગામની કન્યાશાળાના મુખ્ય શિક્ષક અને બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે ફરજ બજાવતા દિનેશ રાવળનું હૃદયરોગના તીવ્ર હુમલાથી નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણી સંબંધિત એસઆઈઆર (SIR)ની ઓનલાઈન કામગીરી ચાલી રહી હતી. જો કે, દિવસે નેટ કનેક્ટિવિટીની (સર્વર) સમસ્યાના કારણે તેઓ આ કામ સમયસર કરી શકતા ન હતા. પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠાને કારણે, દિનેશભાઈ રાવળ રાત્રે લગભગ 2 વાગ્યા સુધી જાગીને આ કામગીરી પૂર્ણ કરી રહ્યાં હતા.
તે જ સમયે, તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનો તાત્કાલિક તેમને સારવાર માટે વડનગર લઈ ગયા, પરંતુ કમનસીબે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. મૃતક દિનેશકુમાર મેલાભાઈ રાવળ સુદાસણા પ્રાથમિક કન્યાશાળાના આચાર્ય હતા અને તેઓ 17 જાન્યુઆરી, 2001થી શાળામાં સેવા આપી રહ્યાં હતા. તેઓ સુદાસણાના ભાગ નંબર 3, બૂથ નંબર 38 પર BLO તરીકે ફરજ બજાવતા હતા.
શાળાના આચાર્ય ગોવિંદસિંહ બારડે માહિતી આપતા જણાવ્યું કે, આ દુઃખદ ઘટનાથી સુદાસણા ગામની શાળા તેમજ સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ પહેલા ચાર બીએલઓના ચૂંટણી કામગીરી દરમિયાન મોત થઈ ચુક્યાં છે.