મહીસાગર: જિલ્લામાં નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ સીઆઈડી ક્રાઇમમાં નોંધાતા ખળભળાટ મચ્યો હતો. આ કેસમાં સીઆઈડી ક્રાઈમે ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ચિરાગ પટેલ અને કે.ડી.વણકર સહિત બે લોકોની ધરપકડ કરી હતી. આ કૌભાંડમાં કોન્ટ્રાક્ટ એજન્સી અને અન્ય 10 કર્મચારીઓ પણ શંકાના દાયરામાં છે, જેમની સામે તપાસ તેજ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા મહીસાગર જિલ્લાના 620 ગામોમાં નલ સે જલ યોજના હેઠળ પીવાના પાણીની પાઈપલાઈન, કૂવા અને ટ્યુબવેલની સુવિધા માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જો કે, આ યોજનામાં વ્યાપક ગેરરીતિ અને કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે પ્રાથમિક તપાસ બાદ વાસ્મોના યુનિટ મેનેજર દ્વારા સીઆઈડી ક્રાઈમમાં કુલ 12 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ, વાસ્મોના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ એજન્ટો અને ખાનગી કંપનીઓને આર્થિક લાભ પહોંચાડવાના ઇરાદે ખોટા દસ્તાવેજો અને રિપોર્ટ તૈયાર કર્યા હતા. સરકારી ભંડોળનો દુરુપયોગ કરી શકાય તેથી ખોટા રિપોર્ટમાં ગામોમાં થયેલી પાઇપલાઇન અને ઘર જોડાણની કામગીરી વધુ દર્શાવવામાં આવી હતી.
આ કૌભાંડના કારણે સરકારી તિજોરીને 123 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આરોપ છે. ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ચિરાગ પટેલ અને કે.ડી. વણકરની ધરપકડ બાદ પોલીસ કોન્ટ્રાક્ટ એજન્સીઓ અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે સક્રિય બની છે. આગામી સમયમાં આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોની પણ ધરપકડ થવાની શક્યતા છે.