+

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ

વડોદરા: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. 15 મહાનગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો, 84 નગરપાલિકાઓ અને 260 તાલુકા પંચાયતો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા 11 એપ્રિલે

વડોદરા: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. 15 મહાનગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો, 84 નગરપાલિકાઓ અને 260 તાલુકા પંચાયતો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા 11 એપ્રિલે પૂર્ણ થયા બાદ, 12 એપ્રિલ રવિવારથી ભાજપે વિધિવત રીતે પ્રચારના શ્રીગણેશ કર્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ પ્રદેશની મનપાઓમાં એક જ સમયે જનસેવા સંકલ્પકાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અમદાવાદના કાંકરિયા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા પાસે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના તમામ 192 ઉમેદવારો કેસરી સાફા પહેરીને હાજર રહ્યાં હતા. મુખ્યમંત્રીએ ભારત માતા અને પંડિત દીનદયાળની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. તેમણે તમામ ઉમેદવારોને જનતાની નિઃસ્વાર્થ સેવા કરવાના શપથ લેવડાવ્યાં હતા.

તમામ ઉમેદવારોએ એકસૂરે જન સેવા એ જ પ્રભુ સેવા મંત્ર સાથે નાત, જાત કે ધર્મના ભેદભાવ વિના પ્રજાના કાર્યો કરવાનો અને સરકારી યોજનાઓના લાભ સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો નિર્ધાર કર્યો હતો.

ભાજપ દ્વારા આયોજિત આ સંકલ્પ કાર્યક્રમમાં અન્ય મહાનગરોમાં પણ દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. રાજકોટમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રેસકોર્સ રિંગ રોડ, બહુમાળી ભવન પાસે ઉપસ્થિત રહી કાર્યકરોમાં ઉત્સાહ પૂર્યો હતો. વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે કાલાઘોડા સર્કલ પાસે આવેલા કીર્તિ મંદિર ખાતે ઉમેદવારોને સંકલ્પ લેવડાવ્યાં હતા.

એક તરફ ભાજપે શિસ્તબદ્ધ રીતે પ્રચાર શરૂ કર્યો છે, બીજી તરફ જેતપુર અને ગોંડલ જેવા વિસ્તારોમાં ટિકિટ ફાળવણીને લઈને નારાજગી અને પક્ષપલટાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યાં છે. હવે જ્યારે ફોર્મ ભરાઈ ગયા છે અને સંકલ્પ સાથે પ્રચાર શરૂ થયો છે, ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું રાજકારણ વધુ ગરમાય તેવા એંધાણ છે. 

facebook twitter