અમેરિકા-ઈઝરાયલનો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો, ભારે તબાહી

05:58 PM Mar 21, 2026 | gujaratpost

તેહરાન: અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલી રહેલા સંઘર્ષના 22મા દિવસે ઈરાન પર ભયંકર બોંબમારો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઈરાનના સૌથી સુરક્ષિત અને અતિસંવેદનશીલ ગણાતા નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટને નિશાન બનાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ઘટનાની ગંભીરતા જોતા ઈરાની ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા છે.
 
ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, નતાંજ સંવર્ધન પ્લાન્ટ પર થયેલો આ હુમલો એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ ઘણા દૂરના વિસ્તારો સુધી સંભળાયો હતો. વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, ઈરાની સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં એક મોટી રાહત મળી છે કે હુમલા છતાં કોઈ રેડિયેશન ફેલાયું નથી. પરમાણુ કચરો ફેલાવાનો જે મોટો ખતરો હતો તે હાલ પૂરતો ટળી ગયો છે.
 
ઈરાન સરકારના જણાવ્યા મુજબ, વિસ્ફોટ છતાં આસપાસના રહેણાંક વિસ્તારોમાં રહેતા નાગરિકો સંપૂર્ણ સુરક્ષિત છે. ઈરાને આક્ષેપ કર્યો છે કે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા અને તેને નષ્ટ કરવાના બદઈરાદાથી આ મિશન પાર પાડવામાં આવ્યું છે.
 
નોંધનીય છે કે અગાઉ જૂન-2025માં પણ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસ સુધી ભીષણ યુદ્ધ ચાલ્યું હતું, જેમાં અમેરિકા સીધું જ સામેલ થયું હતું. તે સમયે પણ નતાંજ પ્લાન્ટ મુખ્ય ટાર્ગેટ પર હતો. હવે ફરી એકવાર આ જ સંવેદનશીલ સ્થળ પર હુમલો કરીને અમેરિકા-ઈઝરાયલે ઈરાનની એનર્જી અને પરમાણુ ક્ષમતા પર મોટો પ્રહાર કર્યો છે.